ભારતવંશી સિંહા દંપતીનું યુનિવર્સિટી ઓફ નોર્થ ટેકસાસને 20 મિલિયન ડોલરનું દાન

Tuesday 15th September 2026 10:36 EDT
 
 

ન્યૂયોર્ક: ભારતીય-અમેરિકન સિંહા દંપતીએ એક સમયે જ્યાં અભ્યાસ કર્યો હતો તે યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (યુએનટી)ને 20 મિલિયન ડોલરનું દાન આપ્યું છે. આ જંગી ડોનેશન સાથે સિંહા દંપતીએ ‘અમેરિકન ડ્રીમ’ના નિર્માણમાં વસાહતીઓના પ્રદાનનું વધુ એક ઉદાહરણ રજૂ કર્યું છે. અનુરાધા અને વિકાસ સિંહાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સડ એનેલિટિક્સના અભ્યાસને પ્રોત્સાહન આપવા 20 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.
આ નાણાંમાંથી યુએનટી અનુરાધા એન્ડ વિકાસ સિંહા કોલેજ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ એડવાન્સડ એનેલિટિક્સ શરૂ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ઈન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એન્ડ ડેટા એનેલિટિક્સ વિષયના શિક્ષણ-સંશોધનનું કાર્ય આ કોલેજમાં કરાશે. અહીં એઆઈ, સાઇબર સિક્યુરિટી, ડેટા સાયન્સ, એડવાન્સડ એનેલિટિક્સ, હેલ્થ ઈન્ફોમેટિક્સ, ઈન્ફોર્મેશન સાયન્સ, લાયબ્રેરી સાયન્સ, લર્નિંગ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે શિક્ષણ અપાશે.
યુએનટીમાં સિંહા દંપતીનું પ્રદાન
સિંહા દંપતી આ અગાઉ પણ યુએનટીમાં અનુદાન આપી ચૂક્યા છે. 2024માં અનુદાન આપીને તેમણે અનુરાધા અને વિકાસ સિંહા ડિપાર્ટમેન્ટ ઓફ ડેટા સાયન્સ શરૂ કરાવ્યું હતું. તે વેળા દંપતીએ સ્કોલરશિપ્સ, ફેકલ્ટી રિસર્ચ અને વિશેષ પહેલો માટે દાન આપ્યું હતું. પછી તેમણે 2025માં સિંહા ઈનોવેશન લેબ ફોર ડેટા સાયન્સ શરૂ કરવા દાન આપ્યું હતું.
વિકાસ સિંહા કહે છે કે ‘શિક્ષકોએ અમારા જીવનમાં સતત નવી તકોના દ્વાર ખુલ્લા કર્યા છે અને આ દ્વાર અન્ય માટે પણ ખુલ્લા રાખવાની અમારી ઈચ્છા છે. અન્ય દેશમાંથી આવતા અને અહીંના વિદ્યાર્થીને અમારા જેવી જ તક યુએનટી આપી શકશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે.’
તેમણે કહ્યું કે ‘અમને મળેલી તક અન્યોને પણ મળે તે માટે આ ભેટ આપી છે. ઈમિગ્રન્ટસ ન કેવળ અમેરિકન ડ્રીમનો લાભ લે છે પણ તેના નિર્માણમાં પ્રદાન પણ કરે છે તે માટે અમે ગિફ્ટ આપી છે. એઆઈ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે તેનાથી આગળ વધીને એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવાનું યુએનટીનું વિઝન અમને પ્રેરે છે.’
એઆઈનું નિર્માણ, સમજવામાં પ્રશ્નો કરવામાં અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે યુએનટી વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. ઈન્ટેલિજન્ટ સિસ્ટમ્સના નિર્માણ અને તેના જવાબદારીપૂર્વક દેખભાળ કરે તેવા વિદ્યાર્થીઓ યુએનટી વિકસાવશે તેવી અમારી શ્રદ્ધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter