ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે યુએસની ધરતીનો ઉપયોગ થાય છેઃ હિંદુ-જૈન પર હુમલા વધ્યા છે

Sunday 24th March 2024 03:51 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં વસી રહેલા ભારતીય સમુદાયના લોકોએ એફબીઆઈ, ન્યાય વિભાગ અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરીને અમેરિકામાં હિંદુ સમુદાયના લોકો પ્રત્યે વધી રહેલા હેટ ક્રાઇમને મુદ્દે ચિંતા જાહેર કરીને કાર્યવાહી કરવા માગણી કરી છે. ભારતીય મૂળના સમુદાયના અગ્રણીઓએ આરોપ લગાવ્યા હતા કે ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા અમેરિકી ધરતીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતીય સમુદાયના અનેક નેતાઓએ સિલિકોન વેલીમાં કાયદાનો અમલ કરતી એજન્સીની મુલાકાત કરીને રજૂઆત કરી હતી.
અમેરિકી એજન્સીઓ સમક્ષ રજૂઆત માટે પહોંચેલા ભારતીય સમુદાયના નેતાઓનું નેતૃત્વ અજય જૈન ભુટોરિયાએ કર્યું હતું. બેઠકમાં અમેરિકામાં હિંદુ અને જૈન મંદિરો પર વધી રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંદુ અને જૈન સમુદાયના લોકો વિરુદ્ધ તાજેતરના મહિનામાં હુમલા વધ્યા છે. ખાલિસ્તાની લોકો શાળા, ભારતીયોના જર્નલ સ્ટોર બહાર કાર પાર્ક કરીને ભારતીય સમુદાયના લોકોને ઉશ્કેરવા પ્રયાસ કરતા રહે છે.
ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહીની માગણી
બેઠકમાં સાન ફ્રાન્સિકો ખાતેના ભારતના કોન્સ્યુલેટમાં ભારતીય ધ્વજને નુકસાન પહોંચાડવાના કેસમાં કાર્યવાહી ના થઇ હોવાના મુદ્દે પણ નારાજગી જાહેર થઇ હતી. બેઠકમાં હાજર અનેક અધિકારીએ કહ્યું કે ખાલિસ્તાની મુદ્દા વિષે તેઓ જાણતા નથી. ભારતીય સમુદાયના લોકોએ આ મુદ્દે સૌપ્રથમ જાણકારી આપવી જોઇએ કે જેથી કરીને ભાગલાવાદી સમૂહો સામે જાગૃતિ વધે.
ભુટોરિયાએ જણાવ્યું હતું કે બેઠકમાં અનેક મહત્વના મુદ્દે વાતચીત થઇ હતી. તેમણે એમ પણ કહ્યું કે વીતેલા 11 મહિનામાં માત્ર બેએરિયામાં જ 11થી વધુ હિંદુ મંદિરો પર હુમલા થયા હતા અને મંદિરની દીવાલો પર ભારતવિરોધી સૂત્રો લખાયા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter