ભારતીય IT એક્સપર્ટ્સ માટે યુએસના દ્વાર બંધઃ ગ્રીન કાર્ડ અને H-1B વિઝા પર પ્રતિબંધ

Wednesday 24th June 2020 08:18 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત વિદેશીઓને અપાયેલા અનેક રોજગાર વિઝા સ્થગિત રાખવા માટેનો સમય વધાર્યો છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં.

H-1B વિઝાના દુરુપયોગ રોકવા સૂચના

ટ્રમ્પે H-1B વિઝાના દુરૂપયોગને રોકવા પણ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિઝા સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ તેની સામે કાર્યવાહી કરશે. જોકે ખાદ્ય ઉદ્યોગ, તબીબી અને કેટલાક અન્ય ક્ષેત્રો માટે વિઝા આપવાની મંજૂરી આપી શકાય છે. આ વર્ષે એપ્રિલમાં, H-1B વિઝા આપવાની પ્રક્રિયા ૬૦ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

બેરોજગારી વધવાના કારણે નિર્ણય

અમેરિકામાં રોગચાળાએ અચાનક બેરોજગારીનો દર વધાર્યો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરી બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, આ પ્રતિબંધ હંગામી છે. અમેરિકા વિઝા પ્રણાલીમાં સુધાર કર્યા પછી આ અંગેનો આગળનો નિર્ણય લેવામાં આવશે. અન્ય દેશોમાંથી સ્થાનાંતરિત કર્મચારીઓને આપવામાં આવેલા L-1 વિઝા પર પણ પ્રતિબંધ મુકાયો છે.ૉ

પાંચ લાખ નોકરીઓને અસર

ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા તેમજ H-4, H-2B, J અને L વિઝા આપવા પર પ્રતિબંધ અંગે અગાઉ કહ્યું હતું કે, આવા વિઝા માટે લોટરી સિસ્ટમ તાત્કાલિક બંધ કરવાની યોજના છે. અમેરિકન સરકારે કહ્યું કે વિઝા સંબંધિત નવા પ્રતિબંધો આ વર્ષના અંત સુધીમાં ૫ લાખ ૨૫ હજાર નોકરીઓને અસર કરશે. અમેરિકામાં સંક્રમણના કારણે અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

ભારત પર અસર થશે

H-2B વિઝા છોડીને અન્ય તમામ વિઝાના સસ્પેન્ડ થવા પર ભારતીયોને અસર થશે. H-2B વિઝા સામાન્યપણે મેક્સિકોના પ્રવાસીઓને કામ આવે છે. અમેરિકામાં દર વર્ષે ૧૦ લાખ કર્મચારી બીજા દેશોથી આવે છે. અમેરિકન સાંસદોએ કહ્યું કે, બેરોજગારીનો દર એટલો વધારે છે કે આ કર્મચારીઓને વિઝા આપવાનું કોઈ કારણ નથી. ગૂગલના ચિફ એક્ઝિક્યુટિવ (CEO) સુંદર પિચાઇએ જોકે સોમવારે જણાવ્યું હતું કે, સ્થળાંતર કરનારાઓએ અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી હતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશને નંબર વન બનાવ્યો હતો. તેમણે કહ્યું કે સ્થળાંતર કરનારા કર્મચારીઓને કારણે ગૂગલ આ તબક્કે છે. ઇમિગ્રેશન સંબંધિત સરકારના નિર્ણયથી હું નિરાશ છું. અમે સ્થળાંતર કરનારાઓની સાથે ઉભા રહીશું અને તેમને તમામ પ્રકારની તકો પૂરી પાડવા માટે કામ કરીશું.

પ્રત્યેક વર્ષે ૮૫ હજાર

પ્રત્યેક વર્ષે સરેરાશ ૮૫ હજાર H-1 વિઝા જારી થાય છે. આ વિઝા ૬ વર્ષ માટે રહે છે. વર્ષ ૨૦૧૯માં ૧૮૮૧૨૩ H1 વિઝા જારી થયા હતા. જોકે તેમાં રિન્યુઅલવાળા પણ વિઝા હતા. આ પૈકી ભારતીયો માટે ૧૩૧૫૪૯ વિઝા ઈશ્યુ કરાયા હતા. જ્યારે ચીનના નાગરિકો માટે ૨૮૪૮૩ વિઝા ઈશ્યુ કરાયા હતા. આ વર્ષ મે, ૨૦૨૦માં ફક્ત ૧૪૩ H1 વિઝા ઈશ્યુ કરાયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯માં મે મહિનામાં ૧૩૩૬૭ વિઝા જારી કરાયા હતા.

ગયા વર્ષે ૧૮૩૫૪ ભારતીયને L1 વિઝા

L1 વિઝા હાઈ લેવલ અને કંપનીના ખાસ કર્મચારીઓ માટે જારી કરાય છે. તે સાત વર્ષ માટે હોય છે. વર્ષ ૨૦૧૯માં ૭૬૯૮૮ વિઝા જારી કરાયા હતા. આ પૈકી ૧૮૩૫૪ વિઝા ભારતીયો માટે હતા. બ્રિટન માટે ૫૯૦૨ વિઝા જારી કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter