ભારતીય-અમેરિકન સીઇઓ વિશાલ ગર્ગે ઝૂમ પર ૯૦૦ કર્મચારીની હકાલપટ્ટી કરી

Friday 10th December 2021 13:51 EST
 
 

વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકન સીઇઓ વિશાલ ગર્ગે ઝૂમ એપ્લિકેશન પર એક સાથે ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરી અમેરિકાના વર્કપ્લેસમાં હલચલ મચાવી દીધી છે. રોકાણકારોએ કંપનીમાં ૭૫ કરોડ ડોલરનું રોકાણ કર્યું હોવા છતાં પણ સીઇઓએ બજારની નબળી સ્થિતિ, કથળેલી ઉત્પાદકતા અને નબળી કામગીરીના આધારે કર્મચારીઓને હકાલપટ્ટી કરી હતી.
મોર્ગેજ કંપની બેટર ડોટકોમના સીઇઓ વિશાલ ગર્ગે એકસાથે ૯૦૦ કર્મચારીઓની કરેલી હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેની જબરજસ્ત ચર્ચા છે. કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે ક્રિસમસ નજીકમાં છે ત્યારે આ પ્રકારનું પગલું અત્યંત ક્રૂર ગણી શકાય.
૪૩ વર્ષના ગર્ગે ઝૂમ કોલમાં જણાવ્યું હતું કે હું તમારી સમક્ષ સારા સમાચાર લઈને આવ્યો નથી. જો તમે આ ઝૂમ કોલ પર છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે હકાલપટ્ટી પામનારાઓમાં એક છો. તમારી નોકરી તાત્કાલિક અસરથી પૂરી થાય છે. ગર્ગે જણાવ્યું હતું કે આ સમાચાર તમને સાંભળવા નહીં ગમે, પરંતુ આ મારો નિર્ણય છે. મારા માટે આ ખરેખર પડકારજનક નિર્ણય હતો. મારી કારકિર્દીમાં હું બીજી વખત આવું કરી રહ્યો છું અને મેં આ પહેલી વખત કર્યુ ત્યારે હું રોયો હતો. જોકે કંપનીના અધિકારીઓનું કહેવું છે કે ૧૦ હજાર કર્મચારીઓ ધરાવતી કંપનીમાં ફક્ત નવ ટકા લોકોને જ છૂટા કરાયા છે.
મોર્ગેજ સમસ્યાનું સોલ્યુશન
ગર્ગ ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના એલ્યુમનસ છે અને ત્રણ સંતાનોના પિતા છે. તેમણે ૨૦૧૩માં તેની પત્ની સાથે બેટર ડોટ કોમની સ્થાપના કરી હતી. તેણે જોયું કે મોટાભાગના અમેરિકનોએ મકાન ખરીદવા માટે મોર્ગેજ કરતી વખતે અત્યંત અઘરી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, તેનું સોલ્યુશન પૂરુ પાડવા કંપની સ્થાપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter