ભારતીય-અમેરિકને પ્રોફેસરને ઠાર મારી આત્મહત્યા કરી

Friday 03rd June 2016 05:55 EDT
 
 

લોસ એન્જલસઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ક્લગની ગોળી મારીને હત્યા કરનારો ગનમેન પૂર્વ ડોક્ટરલ સ્ટુડન્ટ ભારતીય-અમેરિકન મૈકન સરકાર હોવાનું જાહેર થયું છે. પ્રોફેસરે પોતાના કમ્પ્યુટર કોડ ચોરીને બીજા કોઈને આપી દીધા હોવાની આશંકાથી સરકારે તેમને ઠાર માર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પ્રોફેસરની ગોળી માર્યા બાદ સરકારે પોતાની જાત પર જ ગોળી છોડીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસને શંકા છે કે ક્લગની હત્યા કરતા પૂર્વે મૈનક સરકારે મિનેસોટ્ટામાં એક મહિલાની પણ હત્યા કરી છે. સરકારે એક ‘કિલ લિસ્ટ’ તૈયાર કર્યું હતું, જેમાં પ્રોફેસર અને મહિલાના નામ જોવા મળે છે.
પહેલી જૂને બનેલી આ ઘટનામાં આઇઆઇટી-ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી મૈનક સરકારે આત્મહત્યા કરતા પૂર્વે લોસ એન્જલસમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ કલગની તેમની ઓફિસમાં જ ગોળી મારીને હત્યા કરી હતી. આ ગોળીબારની ઘટના બાદ સમગ્ર કેમ્પસને બંધ કરી દેવાયું હતું અને પોલીસ તેમજ ફેડરલ એજન્ટના અનેક જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તમામ વર્ગો પણ રદ કરવામાં આવ્યા હતા. આ કેમ્પસમાં આશરે ૪૩ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૩૯ વર્ષીય કલગ મિકેનિકલ તથા એરોસ્પેસ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર હતા અને મૈનક સરકાર સોશ્યલ મીડિયા પર સતત તેમના પર આક્રોશ ઠાલવતો હતો. સરકારે ક્લગ પર આક્ષેપ કર્યો હતો કે તેણે તેના કમ્પ્યુટરનો કોડ ચોરી લઈને બીજા કોઈને આપી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter