ભારતીય આઇટી કંપનીઓની H-1B પ્રોગ્રામમાંથી હકાલપટ્ટી

Tuesday 13th October 2026 12:34 EDT
 
 

વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રની ભારતીયો સામેની કિન્નાખોરી હવે છેક ભારતીય કંપનીઓ સુધી લંબાઈ છે. H-1B વિઝા ફ્રોડનું બહાનું આપીને ટ્રમ્પ તંત્રે આઠ અગ્રણી સોફ્ટવેર કંપનીઓને અમેરિકન ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી રીતસરની હાંકી કાઢી છે. આ કંપનીઓમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ, કોગ્નિઝન્ટ, કેપજેમિની અને માઇક્રોસોફ્ટ, એડોબનો સમાવેશ થાય છે. હવે આ કંપનીઓ પર ટ્રમ્પ તંત્રએ વિઝા ફ્રોડનો આરોપ મૂક્યો છે. મિડ ટર્મ ચૂંટણી જીતવા માટે હવાતિયા મારી રહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દેશમાં બેરોજગારી માઝા મૂકી રહી છે ત્યારે પોતાને અમેરિકનોની રોજગારીની કેટલી ચિંતા છે તે બતાવવા માટે ભારતીય સોફ્ટવેર કંપનીઓ સહિત અમેરિકન કંપનીઓને પણ નિશાન પર લીધી છે.
ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી છે ત્યારે ટ્રમ્પ કાર્ડ ઉતરતા હોય તેમ આ કંપનીઓને H-1B વિઝા પ્રોગ્રામમાંથી હાંકી કાઢીને ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતરક્ષક બનવાની છાપ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ આઠેય આઇટી જાયન્ટ કંપનીઓને વિઝા કાર્યક્રમમાંથી હાંકી કાઢવાની જાહેરાત અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, લેબર સેક્રેટરી કીથ સોન્ડરલિંગ અને એટર્ની જનરલ ટોડ બ્લાન્કે કરી હતી. યુએસ એન્ટી ફ્રોડ ટાસ્કના ઉપક્રમે આ પગલું લેવાયું છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તંત્રએ માંડ બે એક દિવસ પહેલાં જ વિઝા નિયમોનો ભંગ કરનારી કંપનીઓને અઢી લાખ ડોલર સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. હવે આ આઠેય કંપનીઓને વિઝા ફ્રોડના આરોપમાં H-1B કાર્યક્રમમાંથી જ હાંકી કાઢી છે. સોન્ડરલિંગે જણાવ્યું હતું કે હું વિશ્વની સૌથી મોટી આઇટી આઉટસોર્સિંગ કંપની કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, ટાટા, એચસીએલ અને કેપજેમિનીને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરું છું. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને એડોબને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter