ભારતીય-કેનેડિયન કુટુંબના સભ્યો રહસ્યમયી આગમાં ખાખ થઈ ગયા

Tuesday 19th March 2024 13:05 EDT
 
 

ઓન્ટારિયોઃ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ભારતવંશી દંપતી અને તેમની ટીનેજ પુત્રીનાં રહસ્યમય આગથી મૃત્યુ થતાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સાતમી માર્ચે બની હતી. ઘરમાં લાગેલી આગમાં ત્રણેય એટલી હદે બળી ગયાં હતાં કે તેઓની ઓળખ પણ થઈ શકી ન હતી.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓન્ટારિયો રાજ્યનાં બ્રામ્પટન શહેરમાં આવેલાં બિગ-સ્કાઈવે અને વેન કીર્ક ડ્રાઈવ વિસ્તારમાં આવેલાં એક ઘરમાં રહસ્યમય આગ લાગી હતી. આગ બુઝાવ્યા પછી જ્યારે પોલીસે ઘરની તપાસ કરી તો ત્યાં માનવ અવશેષો મળી આવ્યા, પરંતુ મૃતકોની ઓળખ ન થઈ શકી નહોતી. તેમજ મૃતકોની સંખ્યા પણ જાણી શકાઈ ન હતી. છેક શુક્રવારે - 15 માર્ચે તેઓનાં નામ જાણી શકાયાં. મરનારમાં ભારતીયવંશના રાજીવ વારીક (51), તેઓનાં પત્ની શિલ્પા કાગ (47) અને પુત્રી મહક વારિક (16) હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પહેલાં એમ લાગતું હતું કે આગની ઘટના આકસ્મિક હતી પરંતુ વધુ તપાસ કરતાં પોલીસને પાકી શંકા થઈ છે કે આગ આકસ્મિક તો ન જ હતી. પોલીસ કોન્સ્ટેબલ ટેરીન યંગે આગનું કારણ જ શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું અને તે કારણ શોધવા તમામ પાસાંની તપાસ હાથ ધરાશે.

ટેરીન યંગે ચેનલ સીટીવીને જણાવ્યું હતું કે અત્યારે અમે હોમીસાઈડ બ્યુરોની સાથે રહી તપાસ કરી રહ્યાં છીએ. આ આગ સંદિગ્ધ લાગે છે. ફાયર માર્શલ પણ કહે છે કે આવી આગ આકસ્મિક તો લાગી જ નહીં હોય. ઘટના નજરે જોનારાઓએ કહ્યું હતું કે પહેલાં તેમણે એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો.
મૃતક કુટુંબના પાડોશી કેનેથ યુસુફે કહ્યું કે તે ધડાકા પછી આખું ઘર આગની જવાળાઓમાં લપેટાઈ ગયું હતું. સીટીવીએ યુસુફનો હવાલો આપતાં કહ્યું હતું કે, આ ધડાકો સાંભળી અમે ઘરની બહાર આવ્યા ત્યારે ઘરમાં આગ લાગી હતી. ઘણી જ દુઃખદ ઘટના હતી. થોડા કલાકોમાં જ બધું જમીનદોસ્ત થઈ ગયું.
આગ બૂઝાયા પછી તપાસ કરતાં 15 માર્ચે મૃતકોની ઓળખાણ મળી તેનું કારણ શોધવા પીજી રીજીયોનલ પોલીસ હોમગાર્ડસ બ્યુરોને ચીફે મુખ્ય કોરોનરની સાથે રહીને નામ શોધી કાઢ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter