એટલાન્ટા: અમેરિકામાં રહેતા ભારતવંશી વિજય કુમારે તેની પત્ની અને અન્ય ત્રણ સંબંધીની હત્યા કરી નાખતાં સનસનાટી મચી ગઇ છે. પારિવારિક વિવાદોમાં આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ ઘટના જ્યોર્જિયાના લોરેન્સવીલે શહેરમાં સામે આવી હતી. પોલીસે હાલ આરોપી વિજય કુમારને કસ્ટડીમાં લઇને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર હત્યાકાંડ સમયે બાળકો ઘરે હતા જેમણે છુપાઇ જઇને જીવ બચાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વિજય કુમાર અને તેની પત્ની મીમુ ડોગરા વચ્ચે તેમના એટલાન્ટા સ્થિત ઘરે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં તેઓ પરિવારના અન્ય સભ્યોના બ્રૂક એલવી કોર્ટ સ્થિત ઘરે પહોંચ્યા હતા, તે સમયે પોતાનો 12 વર્ષનો બાળક પણ સાથે હતો. જ્યાં ગૌરવ કુમાર, નીધી ચંદર અને હરીષ ચંદર હાજર હતા. ઘટના સમયે સાત અને આઠ વર્ષના અન્ય બે બાળકો પણ ઘરે હતા. વિજય કુમારે સંબંધીઓના ઘરે પોતાની પત્ની મીમુ, ગૌરવ કુમાર, નિધિ અને હરીષની હત્યા કરી નાંખી હતી. જ્યારે સંબંધીઓના બે બાળકો કબાટમાં છુપાઈ જતાં બચી ગયા હતા. બાળકે સમગ્ર ઘટનાની જાણકારી આપતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં ચાર લોકો માર્યા ગયા છે જ્યારે બાળકોને કોઈ ઈજા નથી પહોંચી. ચારેય મૃતકોના શરીર પર ગોળીઓ વાગ્યાના નિશાન મળી આવ્યા હતા. તમામ મૃતકો અને હત્યારો ભારતીય મૂળના છે. હત્યારો વિજય કુમાર હત્યાકાંડ બાદ ઘરેથી જતો રહ્યો હતો, જોકે તેને થોડે દૂરથી પકડી લેવાયો હતો. પોલીસે હાલ તેની સામે ચાર લોકોની હત્યાનો અને તેના બાળકો સાથે ક્રૂરતા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


