વોશિંગ્ટનઃ અમેરિકાએ ત્યાંના વિઝા મેળવવા ઇચ્છતા કેટલાંક ભારતીય અરજદારોને ઈન પર્સન ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી છે. તેમાં સ્ટુડન્ટ્સ તેમજ વર્ક વિઝા મેળવનારનો પણ સમાવેશ થાય છે. આ વર્ષનાં 31 ડિસેમ્બર સુધી ભારતમાં ડિપ્લોમેટિક મિશનના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું અમેરિકાનાં રાજદ્વારીએ જણાવ્યું હતું. તેને લીધે જુદીજુદી કેટેગરી હેઠળના વિઝા અરજદારોને ઘણી રાહત મળશે.
અમેરિકાન સાઉથ એશિયન કોમ્યુનિટીના નેતા અને એશિયન અમેરિકન્સ માટેનાં યુએસ પ્રમુખ બાઈડેનના સલાહકાર અજય જૈન ભદોરિયાએ જણાવ્યું હતું કે F, M, અને એકેડેમિક J વિઝા હેઠળ સ્ટુડન્ટ્સ વિઝા મેળવવા ઈચ્છતા અરજદારો તેમજ H-1, H-2, H-3, અને વ્યક્તિગત L વિઝા હેઠળ વર્ક વિઝા મેળવવા ઈચ્છતા અરજદારો તેમજ કલ્ચર અને અસાધારણ ક્ષમતા કે કુશળતા ધરાવતા O, P, અને Q વિઝા હેઠળ અમેરિકા જવા માંગતા અરજદારોને રાહત થશે. તેમણે અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ સેન્ટ્રલ એશિયાના ડોનલ લૂ સાથે વાતચીત કરી હતી.