ભારતીય વિદ્યાર્થિની જાહન્વી કાન્ડુલાનું પોલીસ વાહનની ટક્કરથી મોત

Tuesday 31st January 2023 08:47 EST
 
 

સીએટલઃ સાઉથ લેક યુનિયનમાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસની 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની જાહન્વી કાન્ડુલા ડેક્સટર એવન્યુ નોર્થ અને થોમસ સ્ટ્રીટ વચ્ચે ચાલી રહી હતી ત્યારે સીએટલ પોલીસ પેટ્રોલ વાહને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું.

આંધ્ર પ્રદેશની જાહન્વી કાન્ડુલા 23 જાન્યુઆરી સોમવારની સાંજે ચાલવા નીકળી હતી ત્યારે સીએટલ પોલીસ પેટ્રોલના વાહને ટક્કર મારી હતી. પોલીસ કાફલો રાત્રે આઠ વાગ્યે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને જાહન્વીને જીવલેણ ઈજા થયાનું જોતાં જ તેને CPR અપાયું હતું અને ગંભીર હાલતમાં જ હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન જ ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ પેટ્રોલ વાહન ચલાવી રહેલા ઓફિસરને સીએટલ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાયોરિટી સંદેશો મળતા તે ત્યાં જઈ રહ્યો હતો. પોલીસે ઓફિસરનું નામ જાહેર કર્યું નથી પરંતુ, તેઓ નવેમ્બર2019થી વિભાગમાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓફિસરનો ઈરાદો તે યુવતીને ટક્કર મારવાનો હતો તેમ માનવાને કોઈ કારણ નથી.

જાહન્વીના કાકા અશોક માન્ડુલાને આ સમાચાર મળતા તેમને આઘાત લાગ્યો હતો. આંધ્ર પ્રદેશના કુર્નુલ ડિસ્ટ્રિક્ટના અડોનીની જાહન્વી કાન્ડુલા 2021માં યુએસ આવી હતી અને એક મહિનો માન્ડુલા પરિવાર સાથે વીતાવ્યો હતો. તેની સિંગલ માતા અડોનીની સ્કૂલમાં શિક્ષિકા છે અને જાહન્વીના અભ્યાસ માટે તેણે લોન લીધી હતી. તેને આ ડિસેમ્બરમાં ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટરની ડીગ્રી મળવાની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter