ભારતીય વિદ્યાર્થિની લિકિથા પિન્નામ કાર અકસ્માત પછી કોમામાં સરી

Wednesday 15th February 2023 04:18 EST
 

ન્યૂ યોર્કઃ યુએસના કાન્સાસની વિચિતા સ્ટેટ યુનિવર્સિટી (WSU)માં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલી હૈદરાબાદની વિદ્યાર્થિની શ્રી લિકિથા પિન્નામ અર્કાન્સાસ સ્ટેટના બેન્ટોનવિલે નજીક કાર અકસ્માત પછી માથાની ગંભીર ઈજાના કારણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી કોમામાં સરી પડી છે. હૈદરાબાદમાં એન્જિનીઅરિંગનો અભ્યાસ કર્યા પછી લિકિથાએ WSUમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

લિકિથાના ભાઈ સંપથ ભાર્ગવ પિન્નામે હૈદરાબાદમાં જણાવ્યું હતું કે તેમની બહેન વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે. લિકિથા 30 જાન્યુઆરીએ તેના મિત્રો સાથે અર્કાન્સાસ જઈ રહી હતી ત્યારે અતિ ખરાબ હવામાનમાં કરાના વરસાદથી ભીની જમીન પર તેની કાર લસરી પડી બે ગડથોલા ખાઈ ગઈ હતી. તેના મિત્રોને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ, લિકિથાને માથામાં ગંભીર ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરી પહોંચી હતી અને કોમામાં જતી રહી હતી.

સંપથે જણાવ્યું હતું કે તે ક્યારે રિકવર થશે તેના વિશે ડોક્ટર્સ કશું કહી શકે તેમ નથી. તેમના કહેવા મુજબ સાજા થવામાં મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે. સંપથે તેની સારવાર માટે 150,000 ડોલર ઉભા કરવા GoFundMe પેજ બનાવ્યું છે જેને 3000થી વધુ લોકોનો સાથ મળવાથી અત્યાર સુધી 100,000 ડોલર એકત્ર થઈ શક્યા હતા. WSUના ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશને પણ નાણાકીય સપોર્ટમાં ફાળો આપવા લોકોને અનુરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter