વોશિંગ્ટન: ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. પરિણામે અમેરિકામાં ભણી રહેલા વિદ્યાર્થીઓ બેવડી ભીંસનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પ તંત્રે વીઝા નિયમોને કડક કરી દેતાં પાર્ટટાઈમ જોબ કરી રહેલા વિદ્યાર્થીઓની નોકરીઓ સંકટમાં મુકાઇ છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં વિદ્યાર્થીઓને પાર્ટટાઈમ જોબ છોડવી પડી છે. પરિણામે ભારતીય વિદ્યાર્થીઓ મકાન ભાડા અને રોજિંદો ખર્ચ ઉઠાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સત્તાવાર રેકર્ડ મુજબ તાજેતરના મહિનાઓમાં કોલેજોમાં જરૂરી હાજરીના અભાવે કે પછી બિનઅધિકૃત રોજગાર મેળવતા હોવાને કારણે4700 વિદ્યાર્થીના વિઝા રદ થઈ ચૂક્યા છે.