નવી દિલ્હીઃ ઉચ્ચ શિક્ષણ માટે યુએસએ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે. ઘણી અમેરિકન યુનિવર્સિટી ઘણી હદ સુધી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આધાર રાખે છે, તેમના માટે આ ચિંતાનો વિષય છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે એક સમયે ભારતીય વિદ્યાર્થીઓની પહેવી પસંદ રહેલું અમેરિકા હવે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. વિદ્યાર્થીઓ હવે શિક્ષણની ગુણવત્તાની સાથેસાથે વિઝા સ્ટેબિલિટી, રહેવાનો ખર્ચ અને અભ્યાસ પછી કામ કરવાની તકને પણ મહત્ત્વ આપી રહ્યા છે.
અમેરિકાની યુનિવર્સિટી માટેનો મોહભંગ માટે ઘણાં પાસાં જવાબદાર છે. તેમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન પોલિસી અને વિઝા પક્રિયામાં અનિશ્ચિતતા મુખ્ય છે. તેના ઉપરાંત, અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ અને રહેવા ખાવાનો વધતો ખર્ચ પણ વિદ્યાર્થીઓને અન્ય કિફાયતી વિકલ્પો શોધવા મજબૂર કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થી હવે વધારે સમજીવિચારીને અને જોખમનું મૂલ્યાંકન કરીને સ્ટડી ડેસ્ટિનેશનની પસંદગી કરી રહ્યા છે. તેઓ એવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે તેમને ભણવાથી રોજગાર સુધીનો રસ્તો આપી શકે.
અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં લેવા પાછળ ઘણાં મોટાં ફેક્ટર્સ છે. તેમાં વિઝા સાથે સંકળાયેલી સમસ્યાઓ સૌથી સામાન્ય છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ આનાથી પ્રભાવિત છે. અમેરિકાની યુનિવર્સિટીના મોહભંગનું સૌથી મોટું કારણ વિઝા સંબંધી અનિશ્ચિતતા છે. તાજેતરનાં વર્ષોમાં વીઝા સંબંધિત નિયમ થણા કડક થઈ ગયા છે.
વિદેશી વિદ્યાર્થીઓમાં 8 લાખનો ઘટાડો
અમેરિકાની નેશનલ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઓફિસના કહેવા પ્રમાણે અમેરિકામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં અમેરિકન યુનિવર્સિટીઝમાં નવું સત્ર ચાલુ થાય છે. ઓગસ્ટ-2024ની સરખામણીએ ઓગસ્ટ-2025માં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓએ આવવાનો ઉમળકો બતાવ્યો નથી. તેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝમાં અસંખ્ય બેઠકો ખાલી રહેશે. ગયા વર્ષે અમેરિકામાં 11 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા. તે વખતે જો બાઈડેન પ્રમુખ હતા અને બાઈડેન સરકારની પોલિસી વિદેશી વિદ્યાર્થીઓને આવકારવાની હતી. વર્ષના અંતે થયેલી ચૂંટણીમાં ટ્રમ્પ જીત્યા પછી અમેરિકામાં વિદેશી નાગરિકો તરફનું સરકારનું વલણ ઝડપથી બદલાયું. પરિણામે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 3,13,138 વિદ્યાર્થીના જ એડમિશન થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ બહુ જ મોટો તફાવત છે.