ભારતીય સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છેઃ એક વર્ષમાં 30 વિદ્યાર્થીઓની હત્યા

Tuesday 06th February 2024 10:45 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાનાં કેટલાં શહેરોના અસલામત ક્ષેત્રોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અપરાધીઓના સોફટ ટાર્ગેટ બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 30 ભારતીય વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી ચૂકી છે. 2024ની શરૂઆતથી હજુ સુધી ચાર વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. 2022માં 12 ભારતીય વિદ્યાર્થીઓનાં મોતના કેસ સામે આવ્યા હતા.
ભારતીય વિદ્યાર્થી સામાન્ય રીતે શહેરોના કેટલાક અસુરક્ષિત વિસ્તારોમાં ભાડા પર રહે છે અથવા તો અહીંના મોલ અને દુકાનોમાં પાર્ટટાઈમ જોબ કરે છે. જ્યોર્જિયા, અલ્બામા, આર્કાન્સા અને ઇન્ડિયાના જેવા હાઇ ક્રાઇમ રેટવાળાં રાજ્યોમાં ડ્રગિસ્ટ અને અન્ય અપરાધીઓ માટે ભારતીય વિદ્યાર્થી સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. નજીવા નાણાં માટે અપરાધી ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા કરે છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની હત્યાના કેસના મામલે તપાસને લઈને પોલીસ હમેંશા ઉદાસીન રહે છે. ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવતી નથી.

અમેરિકી પોલીસનો અમાનવીય અભિગમ
ઇલિનોઇમાં રહેતી એક ગુજરાતી યુવતીનું કહેવું છે કે પોલીસનું વર્તન બિલકુલ અમાનવીય રહે છે. ભારતીયો દ્વારા હેટ કાઈમના મામલાની ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ સામાન્ય રીતે પોલીસ સ્થળો પર પહોંચતી નથી. તેનું કહેવું છે કે ગયા વર્ષે સિએટલમાં પોતાની કારથી કચડી નાંખીને વિદ્યાર્થિની જાન્હવીની હત્યા બાદ પોલીસે શરમજનક રીતે કહ્યું હતું કે કોઈ ભારતીયની હત્યા થઇ છે તો શું થયું?સરકાર વળતરના 10 લાખ રૂપિયા આપી દેશે.

ભારતીયો સામે હેટ ક્રાઇમની ઘટના વધી
અમેરિકામાં શ્વેત વંશવાદ પણ ભારતીયોની સામે હેટ ક્રાઈમ વધવા માટે મુખ્ય કારણો પૈકી એક છે. ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા જ્યોર્જિયા, અલ્બામા અને ઇન્ડિયાનાં રાજ્યોમાં થયા છે, જે કટ્ટરપંથી રિપબ્લિકન પાર્ટીના ગઢ છે. અહીં શ્વેત વંશવાદ સક્રિય છે. એક વર્ષ દરમિયાન ભારતીયોની સામે હેટ ક્રાઈમ અને હુમલાની 520થી વધુ ઘટનાઓ બની છે. જ્યારે ગયા વર્ષે ભારતીયોની સામે હેટ ક્રાઈમના 375 કેસ નોંધાયા હતા.

એક મહિનામાં ચોથા વિદ્યાર્થીનું મૃત્યુ
અમેરિકામાં એક મહિનામાં ભારતીય વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગેરી, વિવેક સૈની અને નીલ આચાર્યના અપમૃત્યુ થયા છે. આ પહેલાં અકુલ ધવનની હત્યા કરાઈ હતી. જુદાં જુદાં રાજ્યોમાં બનેલી ઘટનાઓને લઇને હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પહેલી ફેબ્રુઆરીએ જ વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું મોત થયું હતું. એક મહિનામાં અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતનો આ ચોથો કિસ્સો હતો. 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનીગરી ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો. શ્રેયસના માતા-પિતા હૈદરાબાદમાં રહે છે, પરંતુ તેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે. વિદ્યાર્થીના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
બીજી તરફ, ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે સિનસિનાટીની લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગેરીના મૃત્યુમાં હાલના તબક્કે કંઈ શંકાસ્પદ લાગતું નથી. કોન્સ્યુલેટે એક્સ (ટ્વીટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગરીના કમનસીબ નિધનથી ખૂબ જ દુ:ખી છીએ. ભારતમાં બેનીગેરીના પરિવારને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય યુનિવર્સિટી એરપોર્ટ નજીક મૃત હાલતમાં મળી આવ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter