વોશિંગ્ટનઃ વિશ્વના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત કૌભાંડમાંથી એક વોટરગેટ સ્કેન્ડલ બાદ પ્રમુખપદેથી હાંકી કઢાયેલા રિચાર્ડ નેક્સનની જૂની ટેપ મળી છે તે ચર્ચામાં છે. તેમણે આ ટેપમાં કહ્યું છે કે, ભારતીયો ગટરના કીડા છે. ભારતીય મહિલાઓ સૌથી કદરૂપી અને સેક્સલેસ હોય છે. ખબર નહીં તેમને બાળકો કેમના થાય છે? આ એ જ રિચાર્ડ છે કે જેમણે ભારતને ડરાવવા માટે ૧૯૭૧માં બંગાળના અખાતમાં પોતાના જહાજ મોકલ્યા હતા. એ દરમિયાન તેમણે આપેલા નિવેદનો પ્રકાશમાં આવ્યા છે. આર્કાઈવલ ડેટાથી જાણવા મળ્યું છે કે રિચાર્ડે કહ્યું હતું કે દુનિયામાં સૌથી કદરૂપી દેખાવવામાં ભારતીય મહિલાઓ ટોચ પર છે. પ્રિસંટન યુનિ.ના એકેડેમિક ગેરી બોસને આ નવું મટીરિયલ મળ્યું છે. જે મુજબ રિચર્ડે કહ્યું હતું કે, ભારતીય મહિલાઓ અત્યંત દયનીય છે અને ભારતના લોકો અરુચિકર છે. નિક્સને તેમના તત્કાલીન સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજર અને વ્હાઈટ હાઉસ ચિફ ઓફ સ્ટાફ એચઆર હોલ્ડમેન વચ્ચે જૂન ૧૯૭૧માં ઓવલી ઓફિસમાં થયેલી વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી. પ્રેસીડેન્સિયલ લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમ પાસેથી મટીરિયલને ડિક્સાલિફાઈ કરવા માટે નિક્સને કાનૂની મદદ લીધા બાદ બાસે આ ટેપ હાંસલ કરી છે.
આ દરમિયાન નિક્સને કહ્યું હતું કે, લોકો અશ્વેત આફ્રિકનો વિશે ગમે તે કહે છે, પરંતુ તેનામાં જાનવરો જેવા ચાર્મ હોય છે, પરંતુ ભારતીયો તો દયનીય છે. તેમણે ચોથી નવેમ્બર, ૧૯૭૧ના રોજ કહ્યું હતું કે તેઓ મને ટર્ન ઓફ કરી દે છે. તેઓ અન્ય લોકોને કેવી રીતે (સેક્સુઅલી) ટર્ન ઓન કરે છે? ભારતીય સાથે આકરાં રહેવું જ સહેલું છે.
નિક્સન સામે ઈન્દિરાએ મચક આપી ન હતી
૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ વખતે નિક્સને ભારતને ડરાવવા માટે હિન્દ મહાસાગરમાં અમેરિકી નેવીને સાતમો કાફલો મોકલ્યો હતો. વ્યૂહાત્મક અને સંખ્યાત્મક રીતે આ સાતમો કાફલો બહુ શક્તિશાળી મનાતો હતો. તે વખતે ભારતના આખા નૌકાદળની સંખ્યા કરતાં પણ આ સાતમો કાફલો મોટો હતો. જોકે, ભારતના તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ અમેરિકાની આ ધમકી સામે મચક આપી ન હતી. રશિયાએ સામે પોતાની કાફલો ઉતારવાની હિલચાલ કરી એટલે નિક્સને નીચી મૂંડીએ પોતાના કાફલો પાછો બોલાવી લીધો હતો.