ભારતીયો પૂરગ્રસ્ત હ્યુસ્ટનમાં રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા

Wednesday 06th September 2017 07:43 EDT
 
 

હ્યુસ્ટનઃ હરિકેન હાર્વેના પગલે ગ્રેટર હ્યુસ્ટનમાં મૂશળધાર વરસાદે સર્જેલી ભારે તારાજી બાદ પબ્લિક અને પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં ૧૦૦થી વધુ વોલન્ટિયર્સ સાથે ભારતીય સમુદાય જોડાયો છે. ઘણાં ભારતીય બિઝનેસગૃહો અને ધાર્મિક સંસ્થાઓએ અસરગ્રસ્તોને રહેવા માટે પોતાના બિલ્ડીંગોના દરવાજા ખૂલ્લા મૂકી દીધા છે. BAPS ચેરિટીઝ, ઈસ્કોન ટેમ્પલની ગોવિંદા સહિતની ભારતીય રેસ્ટોરાં અને ભારતીય પરિવારો પીડિતોને તાજા વેજિટેરિયન ફૂડપેકેટ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડી રહ્યા છે. મસાલા રેડિયોના સુનિલ ઠક્કરે તેમના રેડિયો સ્ટેશનનો ઉપયોગ મકાનોમાં ભરાયેલા પાણી ઓસરી જાય ત્યાં સુધી આશ્રય અને મદદ માટે લોકો ક્યાં જઈ શકે તેની માહિતી આપવા માટે કર્યો હતો.

SEWA ઈન્ટરનેશનલ હ્યુસ્ટનના પ્રમુખ ગીતેશ દેસાઈ પોતાના ઘરમાં પાણી ભરાઈ ગયા હોવા છતાં રાહત કામગીરીનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓ પાંચ ફૂટ જેટલા પાણીમાં થઈને હોટલમાં રહેવા ગયા હતા. SEWAના અન્ય વોલન્ટિયર્સને પણ તેમના જેટલી જ મુશ્કેલી હોવા છતાં તેઓ સેવાના આ કાર્યમાં સહેજ પણ ડગ્યા નથી. દેસાઈના અંદાજ મુજબ આ હોનારતમાં દર ચારમાંથી એક ઈન્ડોઅમેરિકન ઘરબારવિહોણા બન્યા છે.

ગ્રાઉન્ડ ફ્લોરના એક એપાર્ટમેન્ટમાં પોતાની ૬૫ વર્ષની માતા સાથે રહેતી યુવા વ્યવસાયિક પ્રીતિ કાન્કીકાર્લાએ પાણીની સપાટી ભયજનક રીતે વધતા SEWA હોટલાઈનનો સંપર્ક સાધ્યો હતો અને વોલન્ટિયર્સ તેમના ઘરે પહોંચી ગયા હતા અને તેમને પહેલા માળના એપાર્ટમેન્ટ પર પહોંચાડ્યા હતા. પ્રીતિએ તેમની મદદ અને ઝડપી કાર્યવાહી માટે SEWAની પ્રશંસા કરી હતી.

કોમ્યુનિટીના એક સક્રિય સભ્ય અચલેશ અમરે હ્યુસ્ટનને ભૂત નગરી ગણાવી હતી. આ આપત્તિના પગલે ઘણા વોલન્ટિયર્સને મદદ માટેની લોકોની વિનંતીઓ સાંભળવા, ત્યાંનીપરિસ્થિતિની સમીક્ષા કરવા અને મદદ પહોંચાડવા માટે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કરવું પડ્યું હતું. યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન (UH) નજીકના એક બિલ્ડીંગમાં લગભગ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ખોરાક, પાણી અને વીજળી વગર અટવાઈ પડ્યા હતા. ગ્રેજ્યુએટ્સ ઓફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (GISO)ના સભ્યોએ બટાવ ટૂકડી સાથે જોડાઈને તેમને બીજા માળે ખસેડ્યા હતા પરંતુ, ખૂબ પાણી ભરાયેલા હોવાથી તેમને ભોજન પહોંચાડી શક્યા ન હતા. સંસ્થાના પ્રમુખ રવિ શંકરે હ્યુસ્ટનના ભારતના કોન્સુલ જનરલ ડો. અનુપમ રાયનો સંપર્ક સાધતા તેમણે અન્ય ઓથોરિટીઓએ ડો. રાય અને UHના ચાન્સેલર ડો. રેણુ ખાતોરની હાજરીમાં તેમને મદદ પહોંચાડી હતી. અલગ અલગ વિસ્તારોમાંથી ૬૦ જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ સલામત સ્થળે ખસેડાયા હતા.

દરમિયાન, ગોવિંદાના મેનેજર અને ઈસ્કોન ટેમ્પલના પ્રમુખ શ્યામસુંદર દાસે જણાવ્યું હતું કે મંદિરમાં વીજળી ન હોવાથી ગેસ સ્ટવ પર રસોઈ તૈયાર કરીને અસરગ્રસ્તોને આપવામાં આવી હતી. હિંદુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન કલ્ચર સેન્ટર, ઈન્ડો અમેરિકન ચેરિચી ફાઉન્ડેશન, ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્ટન અને ઈન્ડો અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિ જેવી મુખ્ય ભારતીય સંસ્થાઓ દ્વારા SEWA ઈન્ટરનેશનલ મારફતે ભારતીય સમુદાયના રાહત કાર્યોના સંકલનનો નિર્ણય લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter