ભારતીયો સહિત ૧.૧ કરોડ વિદેશીઓને US નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થશે

Sunday 28th February 2021 01:02 EST
 
 

વોશિંગ્ટન: બાઇડેન સરકાર દ્વારા મહત્ત્વાકાંક્ષી ઇમિગ્રેશન બિલને યુએસ સંસદમાં રજૂ કરાયું છે જેના કારણે વર્ષોથી ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં વસવાટ કરવાની રાહ જોતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને લાભ થશે. આ બિલમાં રોજગારી આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માટે કન્ટ્રી કેપ હટાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
બાઇડેન સરકારે રજૂ કરેલા બિલ યુએસ સિટિઝનશિપ એક્ટ ૨૦૨૧માં કોઈ જાતનાં ડોક્યુમેન્ટસ વિના અમેરિકામાં રહેતા ૧૧ મિલિયન વર્કર્સ માટે સિટિઝનશિપ મેળવવાનો માર્ગ ખૂલશે. તેમને ૮ વર્ષમાં સિટિઝનશિપ અપાશે.
જોબ માટે વર્ક પરમિટ
અમેરિકાની કંપનીઓમાં H1B વિઝા પર કામ કરતા ભારતીય સહિત તમામ H1B વિઝાધારકોનાં જીવનસાથીને અમેરિકામાં જોબ કરવા માટે વર્ક પરમિટ મળી શકશે. નવું બિલ પસાર થતાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન પ્રોગ્રામને લગતી પ્રતિબંધાત્મક શરતો લાગુ પડશે નહીં.
હાલની જોગવાઈઓ મુજબ H1B વિઝાધારક જ્યારે ગ્રીન કાર્ડ મેળવવાનાં તબક્કામાં હોય અથવા તો ૬ વર્ષની માન્ય મુદત પછી તેમને એક્સ્ટેન્શન મળ્યું હોય ત્યારે તેમનાં જીવનસાથીએ એટલે કે H-4 વિઝા ધરાવતા આશ્રિતોએ ત્યાં જોબ મેળવવા માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ મેળવવા અરજી કરવી પડે છે. આની મંજૂરી મળ્યા પછી જ તેઓ જોબ કરી શકે છે કે સ્વરોજગાર કરી શકે છે. સોશિયલ સિક્યુરિટી નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે અને બેન્કમાં ખાતું ખોલાવી શકે છે.
L-1 વિઝાધારકનાં જીવનસાથીને મળતા લાભ હવે H1B વિઝાધારકના જીવનસાથીને પણ મળી શકશે.
હાલ L-1 એટલે કે ઇન્ટ્રા કંપની ટ્રાન્સફરનાં હક ધરાવતા વિઝા ધારકનાં જીવનસાથીને વર્ક પરમિટ આપવામાં આવે છે પણ હવે L-1 વિઝા ધારકનાં જીવનસાથીને મળતા લાભ હવે H1B વિઝાધારકને પણ મળી શકશે. આને કારણે દર વર્ષે H1B વિઝા મેળવતા હજારો ભારતીયોને ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter