ભારતીયોની યુએસમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારા બે ગુજરાતીઓને ૧૭ મહિનાની જેલ

Thursday 23rd March 2017 07:32 EDT
 

વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે માણસોને ઘુસાડવા બદલ બે ગુજરાતીઓને એક ફેડરલ કોર્ટે ૧૭ મહિનાની જેલની સજા ફટકારી હતી. એવું ન્યાય વિભાગે ૨૨મીએ જાહેર કર્યું હતું. કમર્શિયલ એરલાઇન મારફતે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રમાં સંડોવણી બદલ નિલેશ પટેલ અને હર્ષદ મહેતાને જેલની સજા કરાઈ હતી. એમ હંગામી યુએસ એટર્ની વિલિયમ્સ ફિત્ઝપેટ્રીકે કહ્યું હતું.

તેમણે જાન્યુઆરીમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જજ માર્ટિનીએ નેવાર્ક ફેડરલ કોર્ટમાં બાવીસમી માર્ચે તેમને સજા સંભળાવી હતી. આ કેસમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનો અનુસાર, પટેલ અને મહેતાએ કબૂલ્યું હતું કે, તેમણે જૂન ૨૦૧૩થી ઓકટોબર ૨૦૧૫ દરમિયાન પૈસા બનાવવા અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને ઘુસાડી તેમને સિટિઝન બનાવવા ષડયંત્ર ઘડયું હતું.

તેમણે કબૂલ્યું હતું કે, ૨૪મી જુલાઇ, ૨૦૧૪ના રોજ તેઓ બે ભારતીયોને બેંકોક લાવ્યા હતા. જેથી તેમને અમેરિકા રવાના કરી શકાય. થાઇલેન્ડથી નેવાર્કમાં વિદેશીઓને ઘુસાડવા માટે એક વ્યક્તિ કે જે ખરેખર તો અન્ડર કવર જાસૂસ હતો તેને પૈસા આપ્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જેલમાંથી છુટયા પછી તેમની પર ત્રણ વર્ષ સુધી પોલીસને બારીક નજર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter