ભારતીયોનું ગ્રીનકાર્ડનું સપનું તૂટ્યું, ઇગલ એક્ટ ધરાશાયી

Wednesday 21st December 2022 10:02 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ મળવાનું સપનું ફરી તૂટી ગયું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્પીકર નેન્સી પેલોસીએ ઈગલ એક્ટને વોટિંગથી પહેલાં જ ફગાવી દીધો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓના મોટા જૂથે તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે જો તે લાગુ થશે તો અનેક દેશોએ અસમાનતાનો સામનો કરવો પડશે. જે દેશોમાં કર્મચારી વર્ગ નબળો છે તેમને અહીં આવવાની તક નહીં મળે.
રિપબ્લિકન નેતા રેપ જિમ બેન્ક્સે કહ્યું કે પહેલાં ઘૂસણખોરી કરનારા પ્રવાસીઓને અટકાવવા જોઈએ, તેના પછી આ એક્ટ પર વિચારવું જોઈએ. ડેમોક્રેટિક પાર્ટીના નેતા યેવેટે ક્લાર્કે કહ્યું કે ઈગલ એક્ટ પસાર થવાથી ભારત કે ચીનના લોકોનું પ્રભુત્વ વધી જવાનું જોખમ છે. ઉલ્લેખનીય છે કે પહેલાંથી જ ભારતીયો માટે ગ્રીનકાર્ડનું વેઈટિંગ 90 વર્ષ છે, જે 2030 સુધીમાં વધીને 458 વર્ષ થઈ જવાની આશંકા છે.
રાજકારણે એક્ટનો ભોગ લીધો
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઈગલ એક્ટ પર વોટિંગ નહીં થાય તેવો નિર્ણય લેવાયો કે તરત
અનેક દેશોના લોકોએ બિલના સમર્થક નેતાઓને ફોન કરવાનું શરૂ કર્યું હતું. બિલના સમર્થક મનાતા ડેમોક્રેટિક નેતા જોય લોફગ્રેન પર ‘ઈમિગ્રેશન વોઈસ’ નામના સંગઠને આરોપ મૂક્યો કે તેમણે સમયસર બિલ રજૂ કર્યું નથી. જાણીજોઇને તેમાં વિલંબ કર્યો જેથી ગૃહનું સત્ર સમાપ્ત થઈ જાય. એવો પણ દાવો થાય છે કે તેઓ પેલોસીના નજીકના મિત્ર પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter