ભારતીયોને એચ-૧ બી વિઝાની લિમિટ ૧૫ ટકા સુધી મર્યાદિત થઈ શકે

Thursday 27th June 2019 07:05 EDT
 

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકા ભારતીયોને એચ-૧ બી વિઝા આપવાની લિમિટ ૧૦ ટકાથી ૧૫ ટકા સુધીની મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. અહેવાલ છે કે અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ એચ-૧ બી વિઝા જાહેર કરે છે. જેમાંથી સૌથી વધુ ૭૦ ટકા ભારતીય કર્મચારીઓને મળે છે. કોઈ દેશ માટે હાલ કોઈ જ લિમિટ નથી. એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવ્યું છે કે, વિદેશ મંત્રાલયે અધિકારીઓ પાસેથી જાણકારી માગી છે કે અમેરિકા એચ-૧ બી વિઝાની લિમિટ નક્કી કરશે તો ભારત પર કેટલી અસર પડશે.

અમેરિકાની નારાજગી

અહેવાલો પ્રમાણે અમેરિકા તે દેશો માટે એચ-૧ બી વિઝાને મર્યાદિત કરવાનું વિચારે છે જે વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તરે ડેટા સ્ટોર કરવા માટે મજબૂર કરે છે. ભારતને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ ગત વર્ષે ડેટા લોકલાઈઝેશન પોલીસી લાગુ કરી હતી. જે અંતર્ગત વિઝા, માસ્ટરકાર્ડ જેવી વિદેશી કંપનીઓના ટ્રાન્ઝેકશન સાથે જોડાયેલાં ડેટા વિદેશી સર્વરની જગ્યાએ ભારતમાં જ સ્ટોર કરવાના હોય છે. અમેરિકી કંપનીઓ અને ત્યાંની સરકારે આ નિયમ પર વાંધો ઉઠાવ્યો છે.

વિઝાની લિમિટ લાગુ થઈ તો રૂ. ૧૦ લાખ કરોડની આઈટી ઈન્ડસ્ટ્રી પ્રભાવિત થશે. બીજા દેશના કર્મચારીઓને પોતાને ત્યાં કામ કરવાની મંજૂરી આપવા માટે અમેરિકા દર વર્ષે એચ-૧ બી વિઝા જાહેર કરે છે. આ વિઝાના આધારે શરૂઆતના ૩ વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળે છે. જે બાદ સમય સીમા વધારીને ૬ વર્ષની કરાય છે. ભારતીય કર્મચારી તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. જેમાં સૌથી વધુ આઈટી સેકટરના લોકો હોય છે. ટીસીએસ અને ઈન્ફોસિસ જેવી કંપનીઓ એચ-૧ બી વિઝા પર પોતાના એન્જિનિયર અને ડેવલપરને અમેરિકા મોકલે છે. ભારતીય આઈટી કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ છે. ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રી ૧૫૦ અબજ ડોલર (રૂ. ૧૦.૫ કરોડ)ની છે.

આઈટી કંપનીઓના શેર્સમાં ૪ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. એચ-૧ બી વિઝાની લિમિટનો રિપોર્ટ સામે આવતા આઈટી કંપનીઓના શેર્સમાં ૧૯મીએ ભારે વેચવાલી જોવા મળી. ઈન્ટ્રા ડે દરમિયાન વિપ્રોના શેર ૪ ટકા સુધી ઘટી ગયા હતા. ટેક મહિન્દ્રામાં ૧.૫ ટકા, ઈન્ફોસિસ અને ટીસીએસમાં ૦.૫ ટકા થી ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter