ભારતે નિકાસ પર પ્રતિબંધ લાદતાં યુએસના મોલ-દુકાનોમાં ચોખા માટે પડાપડી

Tuesday 25th July 2023 10:16 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી, જે દુનિયાના ચોખાના ચાર મુખ્ય નિકાસકાર દેશો થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકાની કુલ નિકાસ કરતાં પણ વધુ છે. જોકે આ વર્ષે અતિ ભારે વરસાદને લીધે ચોખા ઉત્પાદક વિસ્તારોમાં ચોખાનું ઉત્પાદન ઘટતાં ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેના પગલે ચોખાના મુખ્ય આયાતનગર દેશ અમેરિકામાં ભારતના ચોખા માટે પડાપડી થઈ ગઈ છે. તો કેટલાંક મોલમાં ચોખાની ગુણીઓની રીતસર પડાપડી થઈ રહી છે.
યુએસમાં ચોખાની તંગીનું એક કારણ તે પણ છે કે આ વર્ષે અમેરિકામાં વરસાદ પ્રમાણમાં ઓછો થયો હોવાથી ત્યાં પણ ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. આથી અમેરિકામાં ચોખા પ્રમાણમાં ઓછા પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતના શ્રેષ્ઠ બાસમતી ચોખા મોટે ભાગે તેલ સમૃદ્ધ આરબ દેશોમાં નિકાસ થાય છે. સાદા કે ટુકડી ચોખા અંગોલા, બાંગ્લાદેશ, કેમેરુન, જીબુટી, ગિની, આઈવરી કોસ્ટ, કેન્યા, નેપાળ ઉપરાંત ઈરાન, ઈરાક અને સાઉદી અરબસ્તાનમાં જાય છે. ઈરાન, કુવૈત, સઉદી અરબસ્તાન જેવા દેશો તો પ્રિમીયમ બાસમતી ખરીદે છે, અને બાસમતી કે પ્રિમિયમ બાસમતીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી.
2022માં ભારતે 17.86 બિલિયન ટન ગેર-બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેમાં 10.3 બિલિયન ટન ગેર-બાસમતી, સફેદ ચોખા પણ સામેલ છે. સપ્ટેમ્બર 2022માં ભારતે ટુકડી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને વિભિન્ન ગ્રેડના ચોખાની નિકાસ ઉપર 20 ટકા નિકાસ વેરો નાખ્યો હતો. 2022-23માં ચોખાનું ઉત્પાદન, 135.5 મિલિયન ટન થયું હતું. ભારતમાં ચોખાનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, ઓડીશા અને છત્તીસગઢ સમાવિષ્ટ છે.

ચોખાની ખેતીમાં આમ તો પાણી ઘણું જોઈએ છે. પરંતુ અતિભારે વરસાદને લીધે તેનાં ધરૂ ખેંચાઈ જતાં ચોખાનું ઉત્પાદન ઘટતાં દેશમાં ચોખાના ભાવ વધવાને લીધે કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અમેરિકામાં મોલ્સમાં ભારતીય ચોખાની લૂંટફાટ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter