મચ્છર જ મચ્છરને મારશે! દુનિયાને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ગૂગલનો અનોખો પ્રોજેક્ટ

Wednesday 03rd June 2026 06:02 EDT
 
 

વોશિંગ્ટન: આઇટી જાયન્ટ ગૂગલે દુનિયાને મચ્છરોના ત્રાસથી મુક્ત કરાવવા માટે એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ વિશેષ એટલા માટે છે કે એમાં લોઢું લોઢાને કાપે એ ન્યાયે મચ્છર જ મચ્છરનો ખાત્મો કરે તેવી યોજના અમલી બનશે. આ માટે લેબોરેટરીમાં મચ્છરોને ખાસ જીવાણુથી સંક્રમિત કરવામાં આવશે અને પછી તેને અન્ય મચ્છરો સાથે ભેળવી દેવામાં આવશે. તેનાથી પ્રોસેસ થયેલા મચ્છરો ત્રાસ વર્તાવતા મચ્છરોની પ્રજાતિના સંપર્કમાં આવશે અને તેનો ખાત્મો બોલાવશે.
અમેરિકાના ફ્લોરિડા અને કેલિફોર્નિયા રાજ્યમાં ગૂગલના મચ્છરોને છોડવામાં આવશે. બે વર્ષના સમયગાળામાં જુદા જુદા તબક્કામાં કુલ 3.2 કરોડ કૃત્રિમ પદ્ધતિથી ફેરફાર કરેલા મચ્છરોને હવામાં છોડી દેવામાં આવશે. એ માટે ગૂગલે સરકારની પરવાનગી માંગી છે. ગૂગલે ઘણાં સમય પહેલાં જ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે એને લાગુ પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગૂગલે મચ્છરોને ખાસ પ્રકારના જીવાણુથી સંક્રમિત કર્યા છે. સંક્રમણ ફેલાવતા મચ્છરો સાથે આ મચ્છરો સંપર્કમાં આવશે ત્યારે તેનાથી મચ્છરોની વસતિ ઘટી જશે. આ પ્રોજેક્ટ પાછળ મૂળ ઈરાદો એવો છે કે રોગ ફેલાવતા મચ્છરોની પ્રજનન ક્ષમતાને ખોરવી દઈને તેની સંખ્યા ઘટાડી નાંખવી. લેબમાં સંક્રમિત થયેલા મચ્છરો ત્રાસ વર્તાવતી પ્રજાતિની માદા મચ્છર સાથે પ્રજનન કરશે પછી વસતિ વધતી અટકી જશે.
એના ઈંડામાંથી મચ્છરો પેદા જ નહીં થાય અને જો પેદા થશે તો પણ એની સંક્રમણની ક્ષમતા બેહદ ઘટી જશે.
ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રયોગથી પર્યાવરણને કે ઈકોસિસ્ટમને કોઈ આડઅસર થવાની નથી. આથી ઉલ્ટું આ પ્રકારના મચ્છરોને હવામાં છોડી દેવાથી ફાયદો થશે. ગૂગલે એવી આશા વ્યક્ત કરી હતી કે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં મચ્છરોના કારણે દર વર્ષે બીમારી ફેલાય છે. બે વર્ષમાં એ સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે. આખા વિસ્તારમાં મચ્છરની વસતિ ઘટી જશે પછી આ પ્રયોગ અન્ય દેશો માટે પણ ઉપયોગી થઈ શકશે.
સંશોધકોએ કહ્યું હતું કે આવા રાજ્યોમાં ગરમી અને વાતાવરણમાં ભેજ હોવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. રાસાયણિક દવાઓ અને એ પ્રકારના બધા ઉપાયો હવે અસરકારક રહ્યા નથી. મચ્છરો એમાંથી પણ બચી જાય છે. ‘એક્સપેરિમેન્ટ બાયોલોજી’ જર્નલમાં છપાયેલા અહેવાલ પ્રમાણે હવે મચ્છરો એને અનુકૂળ બની ચૂક્યા હોવાથી આ નવા પ્રયોગથી ફાયદો મળી શકે તેમ છે. ગૂગલના આ પ્રોજેક્ટને અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી ઈપીએએ માન્યતા આપી ન હતી. પર્યાવરણને લગતા વિવિધ ડેટાનું આકલન ચાલી રહ્યું છે. ગૂગલે નવેસરથી પ્રોજેક્ટની મંજૂરી માટે અરજી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter