વોશિંગ્ટનઃ અમેરિકામાં વસનારા શીખ સમુદાયના લોકો માટે ખુશખબર છે. અહીંની કોર્ટે એક ઐતહાસિક ચુકાદામાં જણાવ્યું કે, પાઘડી પહેરવા અને દાઢી રાખવાને કારણે શીખ સમુદાયના લોકોને વિશ્વના ખ્યાતનામ એવા મરિન કોર્પસમાં ભરતી થવાથી રોકી શકાય નહીં. કોર્ટે ત્રણ શીખ સૈનિકોની અરજી પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મરિન કોર્પમાં દાઢી વધારવાની મંજૂરી અપાતી નથી.
યુએસ આર્મીમાં ફરજ બજાવતા આકાશ સિંહ, જસકીરત સિંહ અને મિલાપ સિંહ ચહલે યુએસ મરીન કોર્પસમાં તેમના સિલેકશન બાદ કોર્ટમાં અરજી કરીને મરિન ગ્રૂમિંગ નિયમોમાં છૂટછાટની માંગ કરી હતી. કોર્ટે તેમની અરજી મંજૂર કરતા કહ્યું કે, અમેરિકાના મરિન કોર્પસમાં સેવા આપતા શીખ ધર્મના લોકો પોતાના ધાર્મિક વિશ્વાસને બનાવી રાખી શકે છે.
ત્રણે મરીન કોર્પસ જવાનોના વકીલ એરિક બેરિક્સર્ટે કોર્ટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું કે, અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતાને લઈને આ મોટો નિર્ણય છે. અમેરિકી મરીન કોર્પસમાં સેવા આપતા સમય શીખ ધર્મના લોકો દાઢી વધારી શકશે. તેઓ બેઝિક ટ્રેનિંગમાં પણ પોતાના ધર્મ મુજબ દાઢી વધારીને ભાગ લઈ શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ વ્યકિતને ધર્મ અને પોતાના દેશની સેવા વચ્ચે નિર્ણય ક૨વાનો સમય ન આવો જોઈએ.
એક રિપોર્ટ મુજબ, મરીન કોર્પસની બેઝિક ટ્રેનિંગ અને યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોના દાઢી વધારવા પર પ્રતિબંધનો બચાવ કરતા મરીન કોર્પસે દાવો કર્યો હતો કે, દાઢી રાખવાથી સેનાની એકરૂપતામાં વિક્ષેપ પહોંચે છે.