મહંત સ્વામીની ઉપસ્થિતિમાં અમેરિકા અને કેનેડામાં BAPS મંદિરોનો ૧૦મો પાટોત્સવ

Friday 28th July 2017 02:18 EDT
 
 

એટલાન્ટા, ટોરોન્ટોઃ અમેરિકાના જ્યોર્જીયાના એટલાન્‍ટા તેમજ કેનેડાના ટોરોન્ટોસ્થિત BAPS સ્‍વામીનારાયણ મંદિરના ૧૦મા વાર્ષિક પાટોત્‍સવની ઉજવણી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ભારતના કોન્‍સલ જનરલ નાગેશ સિંઘે દેશ વતી મહંત સ્‍વામીનું સ્‍વાગત કર્યુ હતું. એટલાન્‍ટામાં BAPS સ્‍વામીનારાયણ મંદિરના ૧૦મા વાર્ષિક પાટોત્‍સવની શનિવાર,૧ જુલાઈના રોજ દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે BAPSના છઠ્ઠા આધ્‍યાત્‍મિક વારસદાર પૂજય મહંત સ્‍વામીએ હાજરી આપી. કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્‍યામાં હરિભક્‍તો અને સ્થાનિક લોકો સહિત જનમેદની ઉમટી પડી હતી. મંદિરને રંગબેરંગી લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું હતું. મંદિરના સાજ-શણગાર નિહાળી હરિભક્તો તથા અમેરિકન્સ મંત્રમુગ્ધ થયા હતા.

પાટોત્સવની ઉજવણીમાં સમુદાયના અગ્રણીઓ, રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી. લિલબર્ન મેયર, મેયર જોની ક્રિસ્‍ટએ મહંત સ્‍વામીને પ્રશસ્‍તિપત્ર આપ્યું હતું તેમજ લિલબર્ન ઉપરાંતના ૬ શહેરોએ ૧ જુલાઇનો દિવસ મહંત સ્‍વામી ડે તરીકે મનાવ્‍યો હતો. જયોર્જીયાના સેક્રેટરી ઓફ સ્‍ટેટ બ્રિઆન કેમ્‍પએ મહંત સ્‍વામીને સિટીઝન ઓફ જયોર્જીયાની માનદ પદવી આપીને સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ૨૦૦૭માં ખુલ્લા મુકાયેલા આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, વોકથોન તથા ચેરીટી સહિતના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

કેનેડામાં ૧૦મો વાર્ષિકોત્સવ

વિશ્વભરમાં વ્યાપ ધરાવતા સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો કરોડોની સંખ્યામાં ફેલાયેલાં છે. અનેક મોટા દેશોમાં સ્વામીનારાયણ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કેનેડાના ઓન્ટારિયોસ્થિત BAPSના સ્વામીનારાયણ મંદિરનો ૧૦મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો પણ ભારતીય વસ્ત્રપરિધાનમાં હરિભક્ત બની સજોડે હાજર રહ્યાં હતા. બ્લુ કુર્તા અને પાયજામા ઉપરાંત ગળામાં ફુલોની માળા પહેરી વડા પ્રધાન ટ્રુડોએ ધાર્મિક વિધિઓ અને મહોત્સવમાં હાજરી આપી હતી. તેમણે સ્વામીનારાયણ ભગવાનને સ્નાન કરાવી તેમજ આરતી પણ ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કેનેડાના પીએમ જસ્ટીને મંદિરને “ આર્કિટેક્ચરલ માસ્ટરપીસ અને કોમી સંવાદિતા માટેનું સ્થાન ગણાવ્યું હતું.”

 આ પ્રસંગે ટોરોન્ટોના મેયર જોન ટોરીએ મહંત સ્વામીને શહેરની ચાવી ભેટમાં આપી હતી.- જોન ટોરીએ જણાવ્યું કે, ‘ BAPS ચૅરિટીઝ કેનેડા દ્વારા તેમની પવિત્રતા અને ટોરોન્ટો આધારિત માનવતાવાદી, સખાવતી અને સમુદાય-નિર્માણ પ્રયત્નોને ઓળખવા માટે હું સન્માન કરું છું.’ મહોત્સવમાં વિદેશ મંત્રાલયના પૂર્વ પ્રવક્તા અને કેનેડામાં વર્તમાન ભારતીય રાજદૂત વિકાસ સ્વરૂપ પણ હાજર રહ્યાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter