માઈક્રોસોફ્ટે માર્કેટ કેપ ૧ લાખ કરોડ ડોલરને વટાવી

Saturday 04th May 2019 12:54 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વની દિગ્ગજ ટેકનો કંપની માઇક્રોસોફ્ટ એક લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વટાવનારી વિશ્વની ચોથી કંપની બની ગઈ છે. ક્લાઉડ સર્વિસિસની સફળતાના સહારે કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા બહેતર પરિણામ રજૂ કર્યું હતું. પરિણામે ૨૪મી એપ્રિલે કંપનીનું માર્કેટ કેપ એક લાખ ડોલરની સપાટીને વટાવી ગયું હતું. માઇક્રોસોફ્ટ પૂર્વે આ સિદ્ધિ મેળવનારી અન્ય ત્રણ કંપનીઓમાં ચીનની સરકારી માલિકીની કંપની પેટ્રો ચાઈનાનો સમાવેશ થતો હતો. આવી સિદ્ધિ મેળવનારી પેટ્રો ચાઈના વિશ્વની સૌપ્રથમ કંપની બની હતી. શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ આ કંપનીએ ૨૦૦૭ના વર્ષમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ બીજું અને ત્રીજું સ્થાન અનુક્રમે એપલ તથા એમેઝોને મેળવ્યું હતું. આ બંને કંપનીઓએ ૨૦૧૮ના વર્ષમાં ૧ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપને પાર કર્યું હતું. માર્ચના ત્રિમાસિક ગાળામાં માઇક્રોસોફ્ટની આવક ૧૪ ટકા વધી ૩,૦૬૦ કરોડ ડોલર એટલે કે અંદાજે રૂ.૨.૧ લાખ કરોડ થઈ હતી. કલાઉડ સર્વિસિસની આવક ૪૧ ટકા વધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter