માનવ તસ્કરીના કેસમાં ભારતીય મોટેલ મેનેજરને 57 માસની કેદ

Saturday 16th December 2023 11:34 EST
 
 

વોશિંગ્ટન: જ્યોર્જિયા સ્ટેટમાં ગુલામી કરાવવા મહિલાની માનવતસ્કરી કરવાના કેસમાં ભારતીય મોટેલ મેનેજરને 57 મહિનાની જેલની સજા ફટકારાઇ છે. આ ઉપરાંત કોર્ટે અસરગ્રસ્તને વળતર પેટે 40 હજાર ડોલર ચુકવવાનો આરોપીને આદેશ આપ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર અમેરિકાના પરમેનન્ટ રેસિડેન્ટ શ્રીશ તિવારીએ જ્યોર્જિયાના કાર્ટરવિલેમાં બજેટ મોટેલ ચાલુ કરી હતી. તિવારીએ મહિલાને મોટેલમાં મેઇડ તરીકે રાખી હતી અને તેને એક રૂમ આપ્યો હતો. આરોપી જાણતો હતો કે પીડિતા અગાઉ બેઘર હતી અને હેરોઈનનું વ્યસન હતું તેમજ તેણે તેના નાના બાળકની કસ્ટડી ગુમાવી હતી. તિવારીએ પીડિતાને સારો પગાર, એક એપાર્ટમેન્ટ અને બાળકની કસ્ટડી પાછી મેળવવામાં કાનૂની મદદની લાલચ આપી હતી. જોકે તિવારીએ મોટેલના મહેમાનો અને કર્મચારીઓ સાથે પીડિતાની વાતચીત પર નજર રાખી હતી અને કોઈની સાથે બોલવાની મનાઈ ફરમાવી હતી. પીડિતાને તેના પરિવાર કે મિત્રો સાથે પણ વાતચીત કરવા મનાઇ ફરમાવી હતી. તિવારીએ પીડિતાનું જાતીય શોષણ કર્યું હતું અને ઘણી વખત મોટેલના રૂમમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. તિવારીએ પીડિતાના ડ્રગના વ્યસનની જાણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી અથવા ચાઇલ્ડ વેલ્ફેર એજન્સીને કરવાની ધમકી પણ આપી હતી. જ્યોર્જિયાના નોર્ધન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની રેયાન કે બુકાનને જણાવ્યું હતું કે તિવારી પોતાની તાકાતનો દુરુપયોગ પીડિતાને નિર્દય અત્યાચાર માટે કરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter