ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા ભારતીય મૂળના પંજાબી મિકી હોથીને સર્વસંમતિથી નોર્ધર્ન કેલિફોર્નિયાના લોદી શહેરના મેયર બનાવાયા છે. આ સાથે જ મિકી હોથી અમેરિકાના શહેરમાં આજ સુધીના ઇતિહાસમાં સૌથી ઉંચું પદ મેળવનારા પ્રથમ શીખ બની ગયા છે. મિકી હોથીના માતા-પિતા ભારતના છે.
નવા ચૂંટાયેલા કાઉન્સિલ મહિલા લિસા ક્રેગે હોથીને નોમિનેટ કર્યા હતાં. મિકી હોથી અગાઉ મેયર માર્ક ચાંડલરના કાર્યકાળમાં ડેપ્યુટી મેયર હતાં. શહેરના મેયર તરીકે તેઓ બે વર્ષ સુધી કાર્યભાર સંભાળશે. તેઓ કોમન કાઉન્સિલોની બેઠકોની અધ્યક્ષતા કરશે અને શહેરના કાર્યકારી અધિકારી તરીકે કાર્ય કરશે. શપથ લીધા પછી હોથીએ ટ્વિટ કર્યું હતું કે લોદી શહેરના 117મા મેયરના રૂપમાં શપથગ્રહણ કરી સન્માનિત થવાની લાગણી અનુભવી રહ્યો છું.
2008માં ટોકે હાઇસ્કુલમાંથી સ્નાતક થયા પછી તેમણે 2020માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2020ના નવેમ્બરમાં લોદી સિટી કાઉન્સિલમાં ચૂંટાયા હતાં.
2021ના વસ્તી ગણતરીના આંકડા અનુસાર લોદી નગરની વસ્તી 67201 છે. લોદી નગર કેલિફોર્નિયાના સેન જોકિન કાઉન્ટીમાં સ્થિત એક શહેર છે. લોદી શહેર અંગે તેમણે જણાવ્યું હતું કે આ શહેરમાં સારા લોકો, મહાન સંસ્કૃતિ અને ખૂબ
જ મહેનત કરવાવાળા લોકો
વસે છે.