લેન્સિંગઃ ઇરાન સાથે યુદ્ધનો સંઘર્ષ ઓછો હોય તેમ અમેરિકાને હવે કુદરત ટોર્નેડોના સ્વરૂપે ફટકા મારી રહી છે. મિશિગનમાં ફૂંકાયેલા વાવાઝોડામાં છનાં મોત થયા છે. જ્યારે 12ને ઈજા થઈ છે. તેના કારણે કમસેકમ 50 લાખથી વધુ લોકોને અસર થઈ શકે છે. અમેરિકા અત્યારે ઈરાનમાં બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે તો કુદરત પણ જાણે તેને જવાબ આપતી હોય તેમ અમેરિકામાં તેની આગવી રીતે તોફાન મચાવી રહી છે. અમેરિકામાં થીજી ગયેલા યુનિયન લેક પર ટોર્નેડોને આકાર લેતું અને પછી તેને ત્રાટકતા એક મહિલાએ જોયું હતું. આ જોઈને તે આઘાતથી અવાચક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે શક્તિશાળી વાવાઝોડાના કારણે અનેક ઘરો જાણે વાવાઝોડામાં ઉડયા હતા. કેટલાય મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. આખા વિસ્તારના મોટાભાગના મકાનોને વાવાઝોડાએ ધ્વસ્ત કરી દીધા હતા. મિશિગનમાં દર વર્ષે સામાન્ય રીતે 15 વાવાઝોડા આવતા હોય છે. તેની સામે ટેક્સાસમાં 155 અને કેન્સાસમાં 96 જેટલા ટોર્નેડો વર્ષે આવે છે. વાવાઝોડાના કારણે વીજળીના થાંભલા ઉખડી જતાં મોટા હિસ્સામાં લોકોએ વીજહિન સ્થિતિમાં જીવવાનું આવ્યું છે. આ ઉપરાંત ટોર્નેડોના કારણે 50 કિમી જેટલા રસ્તાને પણ નુકસાન થયું છે.


