જેફરસનઃ સંભવિત હેટ ક્રાઈમની ઘટનામાં મિસૌરીમાં ભારતીય અમેરિકાન સોફ્ટવેર એન્જિનિયર શેરિફ રહેમાન ખાનનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશના ભોપાલના વતની ૩૨ વર્ષીય ખાનનું ગઈ ૩૧મી માર્ચે સેન્ટ લુઈસમાં યુનિવર્સિટી સિટી એપાર્ટમેન્ટમાં ગોળી મારીને મૃત્યુ નીપજાવાયું હતું. તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
પોલીસે હત્યાના સંદર્ભમાં ૨૩ વર્ષીય કોલ જે મિલરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે મિલરને મૃતક એન્જિનિયરની મહિલા મિત્ર સાથે પ્રણય સંબંધ હતો. ૩૧ મી માર્ચે તે ખાનની મહિલા મિત્ર જ્યાં રહેતી હતી તે ફ્લેટ પર ગયો હતો. ખાન પણ ત્યાં જ હતા. બન્ને વચ્ચે થયેલી બોલાચાલી પછી આ ગોળીબાર થયો હતો.
ખાનના ફ્યુનરલ માટે GoFundMe કેમ્પેઈન શરૂ કરાયું હતું. તેમાં ૨૫,૦૦૦ ડોલરથી વધુ રકમ એકત્ર થઈ હતી.