શિકાગો: પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને યુએસ કોર્ટ તરફથી જોરદાર આંચકો લાગ્યો છે. અમેરિકાની અપીલ કોર્ટે કહ્યું છે કે તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. તે બાદ તહવ્વુર રાણાને જલદી જ ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે સંભાવના વધી ગઇ છે. તહવ્વુર રાણા વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો મોસ્ટ વોન્ટેડ છે. અમેરિકન અપીલ કોર્ટે કહ્યું હતું કે બંને દેશ વચ્ચે પ્રત્યર્પણ સંધિ હેઠળ તેને ભારત હવાલે કરવામાં આવી શકે છે.
રાણાએ દાખલ કરેલી અપીલ પર નિર્ણય આપતા ન્યાયાધીશોની એક પેનલે કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની હેબિયસ કોર્પસ અરજીને ફગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. રાણાએ પોતાની અરજીમાં મુંબઈ આતંકવાદી હુમલામાં તેની કથિત ભાગીદારી બદલ તેને ભારત પ્રત્યાર્પિત કરાવાની વાતને પડકારી હતી. પેનલે માન્યું હતું કે રાણાનો કથિત ગુનો અમેરિકા અને ભારતની પ્રત્યર્પણ સંધિ હેઠળ આવે છે.
મુંબઈને 60 કલાક બાનમાં લીધું હતું
વર્ષ 2008માં પાકિસ્તાનથી સમુદ્ર માર્ગે આવેલા લશ્કર-એ-તૈયબાના 10 જેટલા આતંકવાદીઓએ મુંબઇ શહેરને 60 કલાક સુધી બાનમાં રાખ્યુ હતું. આતંકવાદીઓએ આ દરમિયાન 160 કરતાં પણ વધારે લોકોના જીવ લીધા હતા. કસાબ નામનો એક આતંકી જીવતો ઝડપાઈ ગયો હતો, જેને મૃત્યુદંડની સજા ફરમાવાઇ હતી.