મૂળ રાજકોટના એમી બેરા ત્રીજી વખત યુએસ સેનેટમાં

Wednesday 16th November 2016 07:33 EST
 
 

અમદાવાદઃ અમેરિકી સંસદના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય મૂળના ઉમેદવારોની વધુ હાજરી આ ચૂંટણીમાં દેખાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિપદ સહિત અમેરિકી સંસદ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની કેટલીક સીટ માટે થયેલી યુએસની ચૂંટણીમાં ભારતીય મૂળના પાંચ ઉમેદવારોનો વિજય થયો. જેમાં પ્રમિલા જયપાલ, કમલા હેરિસ, રોહિત ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ સાથે એમી બેરાનો સમાવેશ થાય છે. ૫૧ વર્ષીય બેરા મૂળ ગુજરાતમાં આવેલા રાજકોટના છે. હેરિસ જ્યાં ચૂટાયાં છે તે જ ચાર અન્ય હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે બેરા પણ ચૂંટાયા છે. બેરા ત્રીજી વખત યુએસની નીચલી પેનલ માટે ચૂંટાયા છે. એમીએ રિપબ્લિકન ઉમેદવાર તથા સેક્રેમેન્ટો કાઉન્ટીના શેરિફ સ્કોટ જ્હોન્સને ઘણા ઓછા મતોથી હાર આપી છે. એમીના હુલામણા નામથી જાણીતા આ ભારતીય અમેરિકી રાજકારણીનું પૂરું નામ અમરિશ બાબુલાલ બેરા છે અને તેમનો જન્મ બીજી માર્ચ ૧૯૬૫ના રોજ લોસ એન્જેલેસમાં થયો હતો. ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા એમી આ પહેલાં વર્ષ ૨૦૧૨માં તેમજ વર્ષ ૨૦૧૪માં પણ ચૂંટાયા હતા. એમીના પિતા બાબુલાલ બેરા વર્ષ ૧૯૫૮માં રાજકોટથી અમેરિકા જઈને વસ્યા હતા. બાબુલાલનાં પત્ની કાંતાબહેન બાબુલાલ અમેરિકા ગયા એના બે વર્ષ પછી અમેરિકા ગયાં હતાં.
એમીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી બાયોલોજિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી એ પછી વર્ષ ૧૯૯૧માં એમડીની ડિગ્રી મેળવી. એમડી બેરાને યુસી સ્કૂલ ઓફ મેડિસીનમાં એડમિશન માટેના એસોસિએટ ડિન બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમણે સેક્રેમેન્ટો કાઉન્ટીના મુખ્ય ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવી હતી.
જોકે બેરાના પિતા પર ગેરકાયદેસર રીતે ચૂંટણીમાં પ્રચાર તથા ભંડોળ ઊભું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના માટે બાબુલાલ બેરાને એક વર્ષની જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter