મેમ્ફીસના લાપતા બિઝનેસમેન સંજય ‘સામ’ પટેલના અસ્થિ મળી આવ્યા

Wednesday 22nd March 2017 09:15 EDT
 
 

ટેનેસીઃ તાજેતરમાં એક ખેતરમાંથી મળી આવેલા અસ્થિ ૩ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ ગુમ થયેલા ભારતીય અમેરિકી બિઝનેસમેન સંજય ‘સામ’ પટેલના હોવાની ઓળખ મિસિસિપીની પાનોલા કાઉન્ટીના કોરોનરની ઓફિસ દ્વારા કરવામાં આવી હતી. પટેલનો મેમ્ફીસમાં ‘ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પીરિટ્સ’ નામનો લીકર સ્ટોર છે. તે સાંજે તે સ્ટોરનું કામકાજ તેની પત્ની શિલ્પાને સોંપીને એક ગ્રાહક માર્કસ પેરીની કારમાં તેની સાથે ગયો હતો અને કદી પાછો ફર્યો ન હતો. ગુજરાતમાં રહેતા સ્વ. પટેલના ભાઈ અલ્પેશે આ ઘટનાની ઝડપી તપાસ માટે પોલીસને સૂચના માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને અનુરોધ કર્યો હતો અને અમેરિકાની મુલાકાત માટે વિઝા આપવા પણ વિનંતી કરી હતી.
બાર્ટલેટ પોલીસ કેપ્ટન ટીના સ્કેબરે જણાવ્યું હતું કે શરૂઆતમાં પેરી પર શક હતો. તે સિવાય પટેલની આ સંભવિત હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલું હોય તેમ લાગતું નથી. તે સાંજે શું બન્યું તેનો કોઈ સંકેત મળતો નથી. ઘટનાસ્થળેથી ડ્રગ્સ અથવા શરાબનો પૂરાવો પણ મળ્યો ન હતો.
તે પછીના દિવસે પેરીની કાર મળી આવી હતી. પરંતુ, ૧૧ ઓક્ટોબર સુધી પેરી મળ્યો ન હતો. તે દિવસે તેના ભાઈએ બાર્ટલેટના પેરીના ઘરે તપાસ કરતા તે હાથમાં પિસ્તોલ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસ માને છે.
શિલ્પાએ જમાવ્યું હતું કે પેરી ફ્રેંચ બ્રાન્ડીની બોટલ ખરીદવા આવતો હતો. તે સાંજે તેણે પતિને વારંવાર ફોન કર્યા હતા પરંતુ, તેના કોલ વોઈસમેલમાં જતા તે ખૂબ ચિંતિત થઈ હતી.
આ કેસની છ મહિનાથી તપાસ કરી રહેલી પોલીસને ખેતરમાં એક મોટી ક્રિસમસ ટ્રી બેગ પડી રહી હોવાની જાણ કરતો એક ખેડૂતનો ફોન આવ્યો હતો. બેગમાંની વસ્તુઓ અને ત્યાંથી મળેલા પૂરાવા પાનોલા કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ગ્રેસી ગુલેજની ઓફિસે લઈ જવાયા પછી તેને પટેલના ડીએનએ સાથે મેચ કરવામાં આવ્યા હતા. ગુલેજે સંજય પટેલનો મૃતદેહ મળી આવ્યો હોવાના તારણ સાથેનો અહેવાલ પોલીસને આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter