વોશિંગ્ટનઃ એક ઘરમાં ગોળીબારની ઘટના બાદ એક જ પરિવારના સભ્યો એવા ત્રણ ભારતીયોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના 24 એપ્રિલે ન્યૂકેસલ સિટીમાં બની હતી., મૈસુરના જાણીતા ટેક ઉદ્યોગપતિ અને હોલોવર્લ્ડના સીઈઓ હર્ષવર્ધન કિક્કેરીએ પત્ની શ્વેતા પન્યામ (41) અને પુત્ર ધ્રુવ (14)ની ગોળી મારીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. આ સમયે તેમનો નાનો પુત્ર ઘરની બહાર ગયો હોવાથી તે સુરક્ષિત બચી ગયો હતો. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મેડિકલ ઓફિસરે શ્વેતા અને તેમના પુત્ર ધ્રુવના મૃત્યુને હત્યા જ્યારે હર્ષવર્ધનના મૃત્યુને આત્મહત્યા જાહેર કરી હતી.
હર્ષવર્ધનના નામે 44 પેટન્ટ
44 વર્ષીય હર્ષવર્ધન કર્ણાટકના માંડ્યા જિલ્લાનો વતની હતો. તેણે મૈસુરમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ યુએસની સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું હતું. માઈક્રોસોફ્ટમાં ઘણા વર્ષો સુધી રોબોટિક્સના ક્ષેત્રે કામ કરનાર હર્ષવર્ધનના નામે કુલ 44 ઈન્ટરનેશનલ પેટન્ટ્સ છે. હર્ષવર્ધન 2017માં પત્ની સાથે ભારત પરત ફર્યો હતો. તેણે મૈસુરમાં રોબોટિક્સ અને એઆઇ આધારિત સ્ટાર્ટઅપ હોલોવર્લ્ડની સ્થાપના કરી હતી.
પત્ની શ્વેતા કંપનીની કો-ફાઉન્ડર અને ચેરપર્સન હતી. કંપની યુએસ, બ્રિટન અને ઈઝરાયેલ જેવા દેશોમાં એક્પોર્ટ કરી રહી હતી. કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને નિયુક્ત કર્યો હતો. કોરોનામાં હોલોવર્લ્ડને બંધ કરીને હર્ષવર્ધન પરિવાર સાથે યુએસ ગયો હતો.
હર્ષવર્ધનના પિતા નારાયણ એક જાણીતા ભાષાશાસ્ત્રી છે. તેનો ભાઈ ચેતન હાલમાં જ અમેરિકાથી મૈસુર પરત ફર્યો હતો. હર્ષવર્ધને એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને નેશનલ બોર્ડર સિક્યુરિટીમાં રોબોટિક્સના ઉપયોગ વિશે ચર્ચા કરી હતી.