મોદી ભારતના ‘રિફોર્મર ઇન ચીફ’ઃ ઓબામા

Tuesday 21st April 2015 13:54 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ટાઇમ મેગેઝિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પ્રોફાઇલ લખી છે. જેમાં તેમણે મોદીને ‘ભારતના રિફોર્મર ઇન ચીફ’ એટલે કે મોટા સુધારક ગણાવ્યા છે. લેખમાં મોદીના જીવનની અનેક સિદ્ધિઓ ગણાવવામાં આવી છે. જવાબમાં મોદીએ પણ ટ્વિટ કરીને ઓબામાનો આભાર માન્યો છે.

લેખમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે ચા વેચીને તેમના માતા-પિતાને મદદ કરતા હતા. આજે તે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નેતા છે. ગરીબીના દિવસોથી વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રામાં ભારતના ઉદયની ગતિશીલતા અને ક્ષમતાની ઝલક દેખાય છે. તેમણે ભારતીયોને મદદ કરવાનો સંકલ્પ લીધો છે. સાથે જ ગરીબી ઓછી કરવામાં, શિક્ષણમાં સુધારો, મહિલાઓ, યુવતીઓને મજબૂત બનાવવા માટે અને ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને ભારતની વાસ્તવિક આર્થિક ક્ષમતાને હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષી દૃષ્ટિ કેળવી છે. તેઓ ભારતની જેમ જ પ્રાચીનતા અને આધુનિકતાનો મેળ કરવાના હિમાયતી છે. તેઓ એવા યોગ સાધક છે કે જેઓ ભારતીય નાગરિકોનો સંપર્ક ટ્વિટર ઉપર કરે છે. જ્યારે તેઓ વોશિંગ્ટન આવ્યા ત્યારે હું અને નરેન્દ્ર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના સ્મારક ખાતે ગયા હતા. અમે કિંગ અને મહાત્મા ગાંધીના આદર્શોને યાદ કર્યા હતા. અમે એ વાત ઉપર ધ્યાન આપ્યું હતું કે બન્ને દેશોની વિવિધતા કેવી રીતે તેમની તાકાત છે જેની આપણે રક્ષા કરવાની છે. મોદી માને છે કે એક અબજ ભારતીયોનો સાથ રહેવો અને સાથે મળીને આગળ વધવું પ્રેરણાદાયી મોડલ હોઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter