વોશિંગ્ટનઃ ટેરિફ વોર છેડીને ભારતને ભીંસમાં લેવા પ્રયાસ કરી રહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર ઠંડા પડતાં જોવા મળી રહ્યા છે. ભારતે સાથે તણાવ ઘટાડવાના સંકેત આપતાં તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું હંમેશા મોદીને દોસ્ત માનું છું. તેઓ મહાન વડાપ્રધાન છે. ભારત-અમેરિકાના સંબંધો ખાસ છે. ચિંતાની કોઈ વાત નથી. ક્યારેક-ક્યારેક એવી ક્ષણ આવી જતી હોય છે.
બીજી તરફ, વડાપ્રધાન મોદીએ પણ આ નિવેદનોનો સકારાત્મક જવાબ આપતાં ટ્વિટ કર્યું છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પની ભાવનાનો અને ભારત-અમેરિકાના સંબંધોની સકારાત્કમ મૂલ્યાંકનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું અને તેમનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. ભારત-અમેરિકા ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. બાદમાં વિદેશ મંત્રી ડો. જયશંકરે પણ કહ્યું હતું કે વડાપ્રધાન અમેરિકા સાથેની
આપણી ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે. જ્યાં સુધી પ્રેસિડન્ટ ટ્રમ્પનો સવાલ છે. પીએમના તેમની સાથે હંમેશા ખૂબ જ સારા વ્યક્તિગત સંબંધ રહ્યા છે.