મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અફલાતૂન ટ્રેડ ડીલ થવાની છેઃ ટ્રમ્પ

Thursday 11th June 2026 05:40 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર’ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે મને તમારા વડાપ્રધાન ખૂબ જ ગમે છે. હું તેમને પસંદ કરું છું. હાલમાં બંને દેશ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતે દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓએ અમારી કંપનીઓ પર જબરદસ્ત ટેરિફ નાખ્યા હતા અને આપણે તેમના પર કશું જ નાખ્યું ન હતુ. આ સપ્તાહે અમેરિકન પ્રતિનિધિ મંડળ ટ્રેડ ડીલ માટે વાટાઘાટો કરવા ભારત પહોંચ્યું હતું. બંને વચ્ચે ગુરુવારે વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર પરની વાતચીત ગુરુવારે પૂરી થઈ છે.
ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેપાર મંત્રણા સહયોગ અને સહકારનું ઉદાહરણ છે. બન્ને પક્ષો પારસ્પરિક સ્વીકાર્ય હોય તેવો દ્વિપક્ષીય કરાર અને આર્થિક સંબંધ કરવા પ્રતિબ્ધ છે. ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હકારાત્મક અને રચનાત્મક વાત થઈ હતી.
ફેબ્રુઆરીમાં બંને પક્ષો સંમત થયા હતા કે વચગાળાના ટ્રેડ ડીલ પર તેઓ સંયુક્ત માળખુ રચે. તેની સાથે એકબીજાને ફાયદાકારક હોય તેવા વેપારનો માર્ગ મોકળો કરે. આ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટ થઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમારી વચ્ચેનો સંવાદ રચનાત્મક અને હકારાત્મક હતો. બંને પક્ષોએ વચગાળાના વેપાર અને દ્વિપક્ષીય કરાર અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter