વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત વેળાએ મહત્ત્વના સૈન્ય કરારો અંગે આશાવાદી છે. સંરક્ષણ અંગેના કેટલાક પાયાના કરારો કરાય તેમ ભારત ઈચ્છે છે. વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. અમેરિકન કોંગ્રેસની સાથેની નીતિ વિષયક ચર્ચામાં ભાગ લેતા અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના પ્રધાન નિશા દેસાઈ બિસ્વાલે કહ્યું હતું કે, આપણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત સમયે કેટલાક પાયાના કરારો થશે તેવી આશા સેવીએ છીએ. તે ઉપરાંત અન્ય કેટલીક બાબતો હાથ પર લઇ શકાય તે મુદ્દે આપણે આશાવાદી છીએ.
વડા પ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ટાણે કોઇ સલામતી કરારો પર હસ્તાક્ષર થશે કે કેમ? તેવા સવાલના જવાબમાં બિસ્વાલ બોલી રહ્યા હતા. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ સચિવ એશ્ટન કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. જેમાં બન્ને દેશોના બેઝને સુરક્ષા દળો, બળતણનો પુરવઠો લેવા કે રિપેરિંગ કરવા માટે અરસ-પરસ વાપરી શકે તે માટે સંયુક્ત કરારો કરવા તરફ આગળ વધી રહ્યા છે. તેમ બિસ્વાલે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ અંગે એશ્ટન સાથેની ચર્ચા બાદ બન્ને દેશો આગળ વધવાની દિશામાં ચર્ચા કરીને આગળ વધશે તેવું મનાય છે.
ભારત-ઇરાન સબંધોથી અમેરિકાના પેટમાં ચૂંક
ભારતે તાજેતરમાં ચાબાહર પોર્ટને વિકસાવવા અંગે ઇરાન સાથે કરેલા ૫૦ કરોડ ડોલરના કરાર પછી ભારત અને ઇરાન વચ્ચે વધી રહેલા સબંધો પર અમેરિકા ખૂબ જ બારીકાઇથી નજર રાખી રહ્યું છે અને એ પણ જોશે કે એના કાનૂની પેરામીટર અને તમામ શરતોને પૂરી કરાઇ છે કે કેમ તેને પણ જોશે, એમ ઓબામા વહીવટી તંત્રે સાંસદોને કહ્યું હતું. હાલમાં ભારત અને ઇરાન વચ્ચે કોઇ જ લશ્કરી કે આતંકવાદ વિરોધી કરાર નથી કે જે અમેરિકા માટે ચિંતાનું કારણ હોઇ શકે. બન્ને દેશો વચ્ચે લશ્કરી કે આતંકવાદ વિરોધી કરાર નથી જેનાથી અમેરિકા ચિંતિત છે.
દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન નિશા દેસાઇ બિસ્વાલે કોંગ્રેસનલ સુનાવણીમાં સેનેટની વિદેશી સબંધોની સમિતિના સભ્યોને આ મુજબ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા આ બન્ને દેશો વચ્ચેના સબંધો પર ઝીણી નજર રાખે છે. ' તેમની આર્થિક પ્રવૃત્તિઓ કઇ છે અને એની પણ ખાતરી કરીશું કે બન્ને દેશો તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરે અને તમામ શરતો પાળે' એમ બિસ્વાલે કહ્યું હતું.
'ચાબાહાર પોર્ટની જાહેરાતના સબંધમાં અમે ભારત સાથે અમે જે કંઇ માનીએ છીએ કે ઇરાનના સબંધમાં તેની પર જે કંઇ પ્રતિબંધ લદાયા હતા તે અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ' એમ તેમણે કહ્યું હતું. તેઓ ભારતના વડા પ્રધાન મોદીની ઇરાનની મુલાકાત અંગે સેનેટરો સમક્ષ બોલી રહ્યા હતા.