ફ્રીમોન્ટઃ ભારતીય અમેરિકનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરી સીરિઝ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ના વિરોધમાં 28 જાન્યુઆરી શનિવારે વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. ‘ઈન્ડિયન ડાયસ્પોરા’ના બેનર હેઠળ આશરે 50 સભ્યોએ ‘biased BBC’ અને ‘racist BBC’ના સૂત્રોચ્ચાર સાથે શેરીઓમાં સરઘસ કાઢ્યું હતું. તેમણે બીબીસીની પૂર્વગ્રહિત અને બદઈરાદાપૂર્ણ ડોક્યુમેન્ટરીને તેઓ ફગાવી દેતા હોવાનું જણાવ્યું હતું.
યુકેના નેશનલ બ્રોડકાસ્ટર બીબીસી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2002ના ગોધરા રમખાણોના ગાળામાં ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે મુદત સંદર્ભે બે ભાગની ડોક્યુમેન્ટરી રીલિઝ કરાઈ છે તેની સામે આ વિરોધ કરાયો હતો. ભારતે 19 જાન્યુઆરીએ ડોક્યુમેન્ટરી સીરિઝને વખોડી કાઢી તેને અવિશ્વસનીય નેરેટિવ્ઝને આગળ વધારવાના ‘પ્રોપેગેન્ડા પીસ’ તરીકે ગણાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે આ સંસ્થાનવાદી માનસિકતાનું પ્રદર્શન છે. આ ડોક્યુમેન્ટરી સામે ભારે વિરોધ જાગ્યો છે અને પસંદગીના પ્લેટફોર્મ્સ પરથી તેને દૂર કરાઈ છે.