યુએસ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ પર હુમલા કરશે

Friday 23rd June 2017 08:22 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની અફઘાનિસ્તાન અંગેની નીતિના ભાગરૂપ પાકિસ્તાનમાં આતંકવાદીઓના સેફ હેવનને નિશાન બનાવીને હુમલા કરવાનો નિર્ણય લે એવી શક્યતા છે. અમેરિકી અધિકારીઓએ આ સંકેત આપતા જણાવ્યું હતું કે, અમેરિકા અફઘાન સરહદે પાકિસ્તાનની હદમાં છુપાઈને રહેતા આતંકીઓનાં ઠેકાણાં પર હુમલા કરી શકે છે.

અમેરિકી અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે, ટ્રમ્પ સરકાર પાકિસ્તાનને મળતી અમેરિકી સહાયમાં કાપ મૂકવાની પણ વિચારણા કરી રહી છે તથા અત્યાર સુધી પાકિસ્તાનને મળતા મિત્રદેશના દરજ્જામાં પણ ઘટાડો કરવાની યોજના છે.

ટ્રમ્પ સરકારનું માનવું છે કે આતંકવાદીઓ પર અંકુશ મૂકવા માટે પાકિસ્તાનને સહાય કરવાના અત્યાર સુધીના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ અમેરિકાની લડાઈના ૧૬ વર્ષની સમીક્ષા બાદ અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મહત્ત્વની જાહેરાત કરશે એવી શક્યતા છે.

હાલ ટ્રમ્પ સરકાર કે પેન્ટાગોને આ અંગે સત્તાવાર કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સતત તાલિબાનને મદદ પહોંચાડી રહ્યા છે અને તેમના પર અંકુશ મૂકવામાં પાકિસ્તાન સદંતર નિષ્ફળ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter