વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર આકરો હુમલો કરતા દેશના અગ્રણી અખબાર વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં જણાવ્યું કે, ટ્રમ્પે તેમના ૪ વર્ષના શાસનકાળમાં આશરે ૩૦૫૭૩ જુઠ્ઠાણાં ચાવ્યાં હતાં. ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદનો હવાલો સંભાળ્યાના પહેલા જ દિવસથી જુઠ્ઠા દાવા કરવાનું શરૂ કર્યું હતું અને સમગ્ર શાસનકાળમાં જુઠ્ઠાણાં ચલાવ્યે રાખ્યાં હતાં.
સત્તા પર આવતાંની સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, ટાઇમ મેગેઝિનના કવરપેજ પર સ્થાન મેળવવાનો તેમનો ઓલ ટાઇમ રેકોર્ડ છે. પોતાના શાસનના અંતિમ સમયમાં તેમણે કોરોના મહામારી ચમત્કારની જેમ અદૃશ્ય થઇ જશે અને પ્રમુખપદની ચૂંટણીઓમાં વ્યાપક ગેરરીતિઓ કરાઇ છે તેવા જુઠ્ઠાણાં ચલાવ્યાં હતાં.
વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ કરતાં વધુ વર્ષથી અમેરિકાની બંને મુખ્ય પાર્ટીના નેતાઓ દ્વારા કરાતા દાવાઓની ચકાસણી ફેક્ટ ચેકર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રમ્પે જુઠ્ઠાણા ચલાવવા બાબતે હદ જ વટાવી સૌને પાછળ છોડી દીધાં છે. ટ્રમ્પે ચલાવેલાં જુઠ્ઠાણાં સાપ્તાહિક સમાચાર બની ગયાં હતાં. તેમના શાસનના પ્રથમ ૧૦૦ દિવસમાં જ અમારે તેમના દાવાઓ ચકાસવા માટે એક અલગ પ્રોજેક્ટ શરૂ કરવો પડયો હતો. ત્યારબાદ અમારા વાચકોની વિનંતીને પગલે અમે છેલ્લા ૪ વર્ષથી ટ્રમ્પના દાવાઓનો ડેટાબેઝ રાખ્યો હતો. ફેક્ટ ચેકરના ડેટાબેઝ અનુસાર ટ્રમ્પની અપ્રામાણિકતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો હતો.