યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં બાઇડેન-ટ્રમ્પ વચ્ચે ટક્કર નક્કી

Thursday 14th March 2024 10:53 EDT
 
 

વોશિંગ્ટન: ભારતમાં લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે અમેરિકામાં પણ નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ચૂંટવાની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી છે. ગયા મંગળવારે યોજાયેલી ‘સુપર ટ્યુઝડે’ ચૂંટણીમાં અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડેન અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતપોતાનાં પક્ષમાં હરીફ કરતાં આગળ નીકળી ગયા છે. આ સાથે નવેમ્બરમાં અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ફરી એક વાર બાઇડેન અને ટ્રમ્પ વચ્ચેની ટક્કર લગભગ નિશ્ચિત છે.
‘સુપર ટ્યુઝડે’ની ચૂંટણીમાં 16 રાજ્ય તેમજ એક ટેરિટરી માટે મતદાન યોજાયું હતું, જેમાં અલાસ્કા અને કેલિફોર્નિયાથી માંડી વર્મોન્ટ અને વર્જિનિયાનો સમાવેશ થાય છે. બાઇડેન અને ટ્રમ્પે માઇને, ઓક્લાહોમા, વર્જિનિયા, નોર્થ કેરોલિના અને ટેનેસીમાં જીત મેળવી છે. આ ઉપરાંત, બાઇડેને મેસેચ્યુસેટ્સ, વર્મોન્ટ અને લોવા પણ સર કરી લીધા છે.
રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારની પ્રાઇમરી ચૂંટણી કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલાબામા, વર્જિનિયા, ઓક્લાહામા, આર્કાન્સાસ, મેસેચ્યુસેટ્સ, ઉટાહ, મિનેસોટા, કોલોરાડો, આર્કાન્સાસ, મેઇન અને વર્મોન્ટમાં યોજાઈ હતી. આમ તો ચૂંટણીનું ધ્યાન મહદ્અંશે ચાલુ વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટની ચૂંટણી પર કેન્દ્રિત છે પણ કેલિફોર્નિયાના મતદારો સેનેટના ખાલી પદ ભરવા માટે પણ સ્પર્ધા કરશે.
81 વર્ષના બાઇડેન અને 77 વર્ષના ટ્રમ્પ વય સહિતના ઘણા મુદ્દે લોકોના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે પણ બંને નેતા પોતાના પક્ષ પર પ્રભુત્વ ધરાવે છે. ટ્રમ્પ અને બાઇડેન 19 માર્ચ સુધીમાં તેમના પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જાહેર થઈ શકે. ટ્રમ્પે મંળવારે જણાવ્યું હતું કે, ‘આપણે બાઇડેનને હરાવવા પડશે. તેઓ અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રેસિડેન્ટ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter