વોશિંગ્ટનઃ યુનાઈટેડ સ્ટેટ્સના સ્મિથસોનિઅન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ્સ દ્વારા ભારતના ત્રણ પ્રાચીન કાંસ્ય શિલ્પો પરત મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલી વાટાઘાટોના અંતે હવે અમેરિકા આ મૂર્તિઓ ભારતને પાછી આપશે.મ્યુઝિયમો દ્વારા નૈતિક વ્યવહાર કરાય અને ગેરકાયદે મેળવાયેલી સાંસ્કૃતિક કલાકૃતિઓ પરત કરવા વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના પરિણામે આ નિર્ણય લેવાયો છે.
ભારત પરત મોકલાનારી કલાકૃતિઓમાં આશરે 10મી સદીની ચોલા કાળની ‘શિવ નટરાજ’ શિલ્પાકૃતિ, 12મી સદીની ચોલા કાળની ‘સોમસ્કંદ’ શિલ્પાકૃતિ અને 16મી સદીની વિજયનગર સામ્રાજ્યકાળની ‘ પારવાઈ સાથે સંત સુંદરાર’ મૂર્તિનો સમાવેશ થાય છે. આ ત્રણે માસ્ટરપીસ દક્ષિણ ભારતની કાંસમાં ઢાળવાની પરંપરાની છે તેમજ ધાર્મિક વિધિવિધાન અને શોભાયાત્રાઓમાં ઉપયોગમાં લેવાતી મંદિરની પવિત્ર મૂર્તિઓ છે.
સ્મિથસોનિઅન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ્સ દ્વારા તેના સાઉથ એશિયા સંગ્રહની વ્યવસ્થિત સમીક્ષા આરંભાઈ હતી અને તેની માલિકીના રેકોર્ડ્સ ચકાસાયા હતા. ભારતના પુરાતત્વ વિભાગે વિવિધ દસ્તાવેજો આપીને અમેરિકન નેશનલ મ્યૂઝિયમ પાસે એ બાબતે ખરાઈ કરી હતી કે તે મૂર્તિઓ ભારતના મંદિરોમાંથી અમેરિકામાં પહોંચી છે.2023ના આર્કાઈવલ સંશોધનમાં નિશ્ચિત થયું હતું કે આ શિલ્પોની તસવીરો 1956 અને 1959ની વચ્ચે તામિલનાડુના મંદિરોમાં લેવાઈ હતી. ‘શિવ નટરાજ’ શિલ્પાકૃતિ મૂળ તો શ્રી ભાવ ઔષડેશ્વરા ટેમ્પલમાં હતી અને બનાવટી દસ્તાવેજો દ્વારા 2002માં મ્યુઝિયમને વેચી દેવાઈ હતી.
આ ત્રણે મૂર્તિઓ સત્તાવારપણે ભારતને મોકલી દેવાશે ત્યારે ભારત સરકારે ‘શિવ નટરાજ’ મૂર્તિ લાંબા ગાળાની લોન તરીકે મ્યુઝિયમમાં મૂકવા દેવા સંમતિ દર્શાવી છે.


