વોશિંગ્ટનઃ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડીને ઇમિગ્રેશન અને વિસા નિયમોના ભંગ બદલ ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતીય છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અંડરકવર એજન્ટો દ્વારા સંચાલિત બનાવટી યુનિવર્સિટીમાં ઇમિગ્રેશન અને વિસાના નિયમોનું ઉલ્લંઘન કરીને એડમિશન અપાવનારી આઠ ભારતવંશી વ્યક્તિની ધરપકડ બાદ સમગ્ર અમેરિકામાં શ્રેણીબદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. અમેરિકન તેલુગુ એસોસિયેશન (એટીએ)ના જણાવ્યા અનુસાર દેશવ્યાપી દરોડામાં અમેરિકામાં યોગ્ય વિસા વિના વસવાટ કરતા સેંકડો તેલુગુ વિદ્યાર્થીઓની ધરપકડ કરાઇ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ જરૂરી લાયકાત ન ધરાવતા વિદેશી નાગરિકોને અમેરિકામાં રહેવા અને નોકરી કરવામાં મદદ માટે સ્ટુડન્ટ વિસાનો દુરુપયોગ કરતા આઠ ભારતીય-અમેરિકનોની ધરપકડ કર્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ પછી ગેરરીતિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને ઝડપી લેવા સમગ્ર દેશમાં અભિયાન ચલાવ્યું હતું. મિશિગન બ્રાન્ચના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, સમગ્ર અમેરિકામાંથી ઝડપાયેલી આઠ વ્યક્તિ કાં તો ભારતીય અથવા તો ભારતીય મૂળના અમેરિકનો છે, તેમના પર વિસા ફ્રોડ અને નફા માટે વિદેશી નાગરિકોને રોકવાના આરોપો મુકવામાં આવ્યા છે
૨૦૧૬ પછી બીજું ઓપરેશન
અમેરિકી સત્તાવાળાઓ દ્વારા અમેરિકામાં સ્ટુડન્ટ વિસાનાં નામે ગેરકાયદે વસવાટ કરી રહેલાં લોકોને ઝડપી લેવા માટે ૨૦૧૬માં પણ આ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હતું. ૨૦૧૬માં સત્તાવાળાઓએ ન્યૂ જર્સીની એક યુનિવર્સિટીમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં ૧૧ ભારતીય અને ૧૧ ચીની નાગરિકોની ધરપકડ કરાઈ હતી. અહીં પણ આ પ્રકારનું જ વિસા કૌભાંડ આચરાયું હતું.
‘ઓપરેશન પેપર ચેઝ’
અમેરિકામાં સ્ટુડન્ટ વિસાનો દુરુપયોગ કરી વસતા ગેરકાયદે વિદેશી નાગરિકોને ઝડપી લેવા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ૨૦૧૫માં એક અંડરકવર યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૭માં એજન્સીના અધિકારીઓએ યુનિવર્સિટીના માલિકો અને કર્મચારીઓ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મિશિગન સ્થિત આ કથિત બનાવટી યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટનમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. એજન્સીના અધિકારીઓએ વિદ્યાર્થીઓનાં નિવાસસ્થાનો પર દરોડા પાડયા હતા અને તેમને તેમના પ્રોફેસરોનાં નામ પૂછયાં હતાં, પરંતુ તેઓ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
તમામ દેશનિકાલ થઇ શકે
એજન્સીએ ઉભી કરેલી બનાવટી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા ૬૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીને અટકાયતમાં લેવાયા છે. સૂત્રો અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર અંદાજિત ૬૦૦ વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. અમેરિકી કાયદાના જાણકારોએ ચેતવણી ઉચ્ચારી છે કે, આ તમામ વિદ્યાર્થીઓને દેશનિકાલની યાદીમાં સમાવી લેવાશે. તેમાંના કેટલાકને જેલની સજા પણ થઈ શકે છે.
વિદ્યાર્થીઓ પર મુકાયેલા આરોપ
• બનાવટી યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ કૌભાંડનો ભોગ બન્યા નથી, પરંતુ સ્વેચ્છાએ કૌભાંડમાં જોડાયા હતા. • વિદ્યાર્થીઓ સારી રીતે જાણતા હતા કે યુનિવર્સિટીમાં કોઈ પ્રકારનું શિક્ષણકાર્ય થવાનું નથી. • તેઓ એ વાતથી પણ વાકેફ હતા કે, આ યુનિવર્સિટી દ્વારા તેમને કોઈ વાસ્તવિક ડિગ્રી પ્રાપ્ત થવાની નથી. • આ વિદ્યાર્થીઓનો મૂળ ઇરાદો સ્ટુડન્ટ વિસા જારી રાખવાનો અને સીપીટી અંતર્ગત વર્કપરમિટ મેળવવાનો હતો. • દરેક વિદ્યાર્થી જાણતો હતો કે, યુનિવર્સિટીના અભ્યાસક્રમને અમેરિકી સરકારની માન્યતા મળી નથી.