ન્યૂયોર્ક: વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાને ખોટી રીતે અમેરિકન સિટિઝન ગણાવીને મતદાન કરનારા એક ગુજરાતીની ધરપકડ કરાઇ છે. મુકેશકુમાર સોમાભાઈ ચૌધરી પર પાંચ નવેમ્બર 2024ના રોજ યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં અમેરિકન સિટિઝન હોવાનો ખોટો દાવો કરીને મતદાન કર્યાનો આરોપ લાગ્યો છે. મિનેસોટા ડિસ્ટ્રીક્ટની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ ગયા ગુરુવારે તેમના બે કાઉન્ટનો આરોપ મૂક્યો છે. તહોમતનામા મુજબ મુકેશ ચૌધરીએ પાંચ નવેમ્બર 2024ના રોજ મતદાર પ્રમાણપત્ર પર સહી કરી હતી, જે મિનેસોટાના કાયદા મુજબ ચૂંટણીમાં મતદાન કરવા જરૂરી છે. પ્રમાણપત્રમાં તેમણે શપથ લીધા હતા કે હું અમેરિકાનો નાગરિક છું. તહોમતનામામાં આક્ષેપ કરાયો છે કે મુકેશ ચૌધરી અમેરિકન નાગરિક નથી અને તેણે મતદાન કરવા ખોટા નાગરિક તરીકે સોગંદનામુ કર્યું ત્યારે આ જાણતા હતા. ચૌધરી પર ખોટી માહિતી આપવા બદલ એક કાઉન્ટનો અને મતદાન કરવા નાગરિકત્વના ખોટા દાવા બદલ એક કાઉન્ટ એમ બે કાઉન્ટના આરોપ મૂકાયા છે. મુકેશ પટેલને દસ વર્ષની સજા થઈ શકે છે.


