સેન્ટપોલ: યુએસ સિટિઝનશીપ મેળવવા માટેની પરીક્ષામાં ફેરફાર થઈ રહ્યા છે. તેને લીધે ઓછું ઇંગ્લિશ જાણતા ઇમિગ્રન્ટ્સની ચિંતા વધી છે. અમેરિકાની નાગરિકતા મેળવવા માટે નેચરલાઇઝેશન ટેસ્ટ આખરી પગલાંમાંનું એક છે. એક મહિનાની આ પ્રક્રિયા માટે અરજી કરતા પહેલાં અમેરિકામાં ઘણા વર્ષો સુધી કાનૂની માન્યતાપ્રાપ્ત પરમેનન્ટ રેસિડેન્સી જરૂરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની તત્કાલીન સરકારે 2020માં અમેરિકન નાગરિકતા માટેની પરીક્ષાને લાંબી અને વધુ મુશ્કેલ બનાવી હતી. ઘણા લોકો હજુ એ આંચકામાંથી બહાર આવ્યા નથી. જોકે, પ્રેસિડેન્ટ જો બાઇડેને સત્તા સંભાળી ત્યારે તેમણે સરકારી આદેશ પર હસ્તાક્ષર કરી અમેરિકાની નાગરિકતા આડેના અવરોધો હટાવવાની યોજના જાહેર કરી હતી. જેના ભાગરૂપે નાગરિકતા માટેની પરીક્ષા બદલીને અગાઉના 2008ના વર્ઝન પ્રમાણે અપડેટ કરાઈ હતી. જોકે, ડિસેમ્બરમાં અમેરિકાના સત્તાવાળાએ જણાવ્યું હતું કે, 15 વર્ષ પછી નાગરિકતા માટેની પરીક્ષાને અપડેટ કરવી જરૂરી છે. નવું વર્ઝન આગામી વર્ષના આખરી ભાગમાં અમલી બને તેવી શક્યતા છે.
અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે નવી પરીક્ષામાં વ્યક્તિની ઇંગ્લિશ ભાષાની કુશળતા જાણવા ‘સ્પીકિંગ સેક્શન’નો ઉમેરો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક અધિકારી વિવિધ તસવીરો દર્શાવશે. જેમાં રોજિંદી પ્રક્રિયા, હવામાન કે ખાદ્ય ચીજોના ફોટા હશે અને વ્યક્તિને તસવીરોનું અંગ્રેજીમાં વર્ણન કરવાનું કહેવામાં આવશે. અત્યારની પરીક્ષામાં અધિકારી અરજી કરનારની ઇંગ્લિશ ભાષાની કુશળતા જાણવા ‘નેચરલાઇઝેશન ઇન્ટરવ્યૂ’માં વ્યક્તિગત પ્રશ્નો પૂછે છે. જોકે, નેચરલાઇઝેશન પેપરવર્કમાં અરજદાર આ પ્રશ્નોનો લેખિત જવાબ આપી ચૂક્યો હોય છે. 10 વર્ષ પહેલાં ઇથિયોપિયાથી અમેરિકા આવેલા હેવન મેહરેતાએ જણાવ્યું હતું કે, ‘મારા માટે તસવીરો સામે જોઈ તેનું વર્ણન કરવાનું મુશ્કેલ બન્યું હોત.’ મેહરેતાએ મે મહિનામાં નેચરલાઇઝેશન પરીક્ષા પાસ કરી હતી અને તે જૂનમાં અમેરિકન નાગરિક બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2022માં 10 લાખથી વધુ લોકો અમેરિકાના નાગરિક બન્યા હતા, જે 1970 પછીની સૌથી વધુ સંખ્યા છે. USCISના ડિસેમ્બરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ તેણે અગાઉના વર્ષની તુલનામાં નેચરલાઇઝેશનની અરજીમાં 60 ટકા ઘટાડો કર્યો છે.