યુએસ હોમલેન્ડ સિક્યોરિટીના ચીફ મેડિકલ ઓફિસર પદે ડો. પ્રતીક ગાંધી

Thursday 04th February 2021 03:41 EST
 
 

વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનના વહીવટી તંત્રમાં ભારતવંશીઓનો દબદબો વધી રહ્યો છે. પ્રમુખ બાઈડેને ભારતીય-અમેરિકન અને ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ફીઝિશિયન ડો. પ્રીતેશ ગાંધીને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના ચીફ મેડિકલ ઓફિસરપદે નિયુક્ત કર્યા છે. ડો. ગાંધી પીપલ્સ કોમ્યુનિટી ક્લિનિક ઓફ ઓસ્ટિનના એસોસિયેટ મેડિકલ ડાયરેક્ટર છે. આ સંસ્થા ૧૬,૦૦૦થી વધુ વીમારહિત સેન્ટ્રલ ટેક્સન્સને સારસંભાળ આપતી ઈસ્ટ ઓસ્ટિન સેફ્ટી-નેટ ક્લિનિક છે.
ડો. ગાંધી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ડેલ મેડિકલ સ્કૂલ ખાતે એફિલીએટ ફેકલ્ટી મેમ્બર તરીકે પણ કાર્યરત છે. ડેલ મેડિકલ સ્કૂલમાં તેઓ પોપ્યુલેશન હેલ્થ એન્ડ પીડીઆટ્રિક્સના નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે. ડો. ગાંધીએ ટફ્ટ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ પછી ટુલેન યુનિવર્સિટીમાં રેસિડેન્સી પૂર્ણ કરી હતી. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે.
ભારતથી આવેલા ઈમિગ્રન્ટ માતા-પિતાના સંતાન અને હ્યુસ્ટનના વતની ગાંધીએ અગાઉ હાઉસ ઓફ ટેક્સાસના ટેન્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની બેઠક માટે ઉમેદવારી કરી હતી પરંતુ, માઈકલ સિગલ સામે તેમનો પરાજય થયો હતો.
ફૂલબ્રાઈટ સ્કોલર તરીકે ડો. ગાંધીએ વિશ્વના સૌથી મોટા લેન્ડફિલ્સમાંથી એકમાં કામગીરી બજાવી હતી અને સ્વચ્છ પાણીની સુવિધા મેળવવા સંગઠિત થયેલા પરિવારોને નિહાળ્યા હતા. આલ્બર્ટ સ્વાઈટ્ઝર ફેલો તરીકે તેમણે બોસ્ટનમાં ગરીબ મજૂરોના પોષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના બાયોડેટા અનુસાર ન્યૂ ઓર્લિયન્સમાં રેસિડેન્સી દરમિયાન, તેમના ગ્રૂપે ગન વાયોલન્સ અને આરોગ્યના સામાજિક અવરોધો વિશે કામ કર્યું હતું. આ પછી તેઓ પત્ની સાથે ટેક્સાસ આવી સ્થિર થયા છે. ધ પીપલ્સ ક્લિનિકના ચીફ એક્ઝિક્યુટિવ રેજિના રોગોફે જણાવ્યું હતું કે ‘ડો. ગાંધી જેવી અદ્ભૂત ક્ષમતા ધરાવતી વ્યક્તિને ગુમાવવાનું અમને દુઃખ છે. અમને ડો. ગાંધીના અમારી સાથેના સંબંધોનું ગૌરવ છે. અમે તેમને આ નવી અને દેશ માટે મહત્ત્વની ભૂમિકાની શુભેચ્છા પાઠવીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter