યુએસઃ સ્વતંત્રતા દિનની ઉજવણીમાં છવાયા હવાઈ ખેલ અને આતશબાજી

Tuesday 07th July 2020 16:38 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વની અગ્રણી મહાસત્તા તરીકે સ્થાન ધરાવતા અને હાલમાં કોરોનાની મહામારી સામે મહાસંઘર્ષ કરી રહેલા અમેરિકામાં ૨૪૪મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન વોશિંગ્ટન સહિતના અન્ય વિસ્તારોમાં ૪થી જુલાઈએ કરાયું હતું. જોકે, આ વર્ષની ઉજવણીમાં મોટાપાયે નાગરિકો જોડાઈ શક્યા નહોતા, પણ હવાઈ જહાજોના કરતબો અને આતશબાજીએ અમેરિકી પ્રજામાં ભારે આકર્ષણ જણાવ્યું હતું.
અમેરિકાની સ્વાતંત્ર્ય દિનની મુખ્ય ઊજવણી વોશિંગ્ટન ખાતેના વ્હાઈટહાઉસમાં યોજાઈ હતી. સ્વતંત્રતા દિન ૪થી જુલાઈએ પણ ટ્રમ્પનું ભાષણ તેમની રાજકીય રેલીઓની જેમ જ મેણાં-ટોણા અને ઝઘડાઓના ઈરાદાઓથી ભરેલું રહ્યું હતું. ટ્રમ્પે કોરોનાની મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય લોકોનું અભિવાદન કર્યું અને તેમના ટીકાકારો તથા દેશના ઈતિહાસનું કિથત અપમાન કરનારાઓની ઝાટકણી કાઢી હતી.
મોદીએ ટ્રમ્પને ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ૨૪૪મા સ્વતંત્રતા દિન પ્રસંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન નાગરિકોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. મોદીને આ શુભેચ્છાના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. મોદીએ ટ્વિટ કરી હતી કે, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર હોવાના પગલે આપણે સ્વતંત્રતા અને માનવ ઉદ્યોગસાહસિક્તાને જાળવી રાખી છે. આ દિવસે તેની ઊજવણી કરીએ છીએ. વડા પ્રધાન મોદીની ટ્વિટના જવાબમાં ટ્રમ્પે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મારા મિત્ર તમારો આભાર, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.
વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બંને નેતાઓની ટ્વિટને રીટ્વિટ કરી હતી. બંને દેશના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર મોદી અને ટ્રમ્પની ટ્વિટના આદાન-પ્રદાનને આવકારી હતી. ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન અમેરિકન ફાઈનાન્સ કમિટિના સહઅધ્યક્ષ અલ મેસને જણાવ્યું હતું કે, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર અમેરિકા અને ભારત, પ્રમુખ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચેના અસાધારણ ગાઢ સંબંધો અને પ્રેમ આજે વિશ્વ નિહાળી રહ્યું છે. બીજી બાજુ અમેરિકન સ્વતંત્રતા દિન એકતા અને ઉજવણીનો દિવસ છે તેમ જણાવતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશના આંતરિક શત્રુઓ - ડાબેરીઓ, લુંટારા અને આંદોલનકારીઓથી દેશના મૂલ્યોનું રક્ષણ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter