યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૪ ભારતીય અને ૧ પાકિસ્તાની દોષિત

Thursday 08th June 2017 02:43 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતના ૪ નાગરિકો અને એક પાકિસ્તાની વ્યક્તિએ અમેરિકાના સૌથી મોટા કોલસેન્ટર કૌભાંડમાં પોતાના પર લગાવાયેલા અપરાધોને કબૂલી લીધા છે. આ પાંચ લોકો ટેલિફોન પર છેતરપિંડી કરવાના તથા કાળા નાણાને કાયદેસર કરવાના કૌભાંડમાં સામેલ હતા. આ આખા મામલા પાછળ ભારતમાં સક્રિય કેટલાક બોગસ કોલસેન્ટર્સનો હાથ હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આ જાણકારી આપી હતી. મની લોન્ડરિંગના મામલે જે ત્રણ ભારતીયોને પકડવામાં આવ્યા હતા, તેમાં રાજુ પટેલ ( ઉ. ૩૨), વિરાજ પટેલ (ઉ.૩૨) અને દિલીપ પટેલ (ઉ.૫૩)નો સમાવેશ થાય છે. એ ઉપરાંત ફહાદ અલી (ઉ.૨૫) નામના એક પાકિસ્તાનીની પણ ધરપકડ કરાઇ હતી. આ ચારેએ ટેક્સાસના અમેરિકી ડિસ્ટ્રિકટ કોર્ટ જજની સમક્ષ પોતાનો અપરાધ સ્વીકારી લીધો હતો. એ ઉપરાંત હાર્દિક પટેલ (ઉ. ૩૧) નામના એક અન્ય ભારતીયએ વાયર ફ્રોડમાં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી હતી.

લોકો સાથે છેતરપિંડી

બીજી જૂને અદાલત સમક્ષ રજૂ કરાયેલા કબૂલાતનામામાં દર્શાવાયું છે કે, હાર્દિક ભારતમાં સક્રિય એક છેતરપિંડી કરતા કોલસેન્ટરનો માલિક હતો. ઓગસ્ટ ૨૦૧૨થી જ તે આ ગતિવિધિમાં સામેલ હતો. પહેલાં તે ભારતમાં રહીને જ કામ કરતો હતો, પરંતુ પછી તે અમેરિકા આવ્યો. ભારતમાં રહીને તે આ કોલસેન્ટરના મેનેજર તરીકે રહીને બાકીના આરોપીઓ સાથે મળીને આ છેતરપિંડી કરતો હતો. એ માટે તે લોકો ઇમેલ, મેસેજ અને અન્ય વેબસર્કલનો ઉપયોગ કરતા હતા. તેઓ અમેરિકામાં રહેતા લોકોને નિશાન બનાવતા હતા. આ તમામ લોકો અમેરિકાના જુદા જુદા પ્રાંતોમાં લોકોની સાથે છેતરપિંડી કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter