યુએસના મિનિયાપોલિસમાં જ્યોર્જ ફ્લોઈડની હત્યા માટે પૂર્વ પોલીસ અધિકારી ડેરેક ચૌવિન દોષિત

Friday 30th April 2021 06:15 EDT
 
 

મિનિયાપોલિસઃ અમેરિકામાં થયેલી જ્યોર્જ ફ્લોઇડની હત્યાના આરોપી પોલિસને કોર્ટે દોષી જાહેર કર્યો છે. વોશિંગ્ટનની હેનેપિન કાઉન્ટી કોર્ટમાં જ્યુરી સાથે થયેલી ૧૦ કલાકની ચર્ચા પછી આરોપી પોલીસકર્મી ડેરેક ચૌવિનને તમામ ત્રણ આરોપમાં કસૂરવાર ઠરાવ્યો કર્યો છે. જ્યુરીએ ડેરેક ચૌવિન પર ઇરાદાવગરની હત્યા કરવા બદલ તેમજ હત્યા સહિતના મામલે દોષિત માનવામાં આવ્યો છે. અમેરિકી કાયદા અનુસાર આ તમામ આરોપ બદલ આરોપી પોલીસકર્મી ડેરેક ચૌવિનને કુલ ૭૫ વર્ષ જેલમાં સબડવુ પડશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે એક સાથે સજા ભોગવવાની રહેશે કે અલગ અલગ.
કોર્ટમાં આ નિર્ણય વેળા પોલીસકર્મી ડેરેક ચૌવિનને હાથકડી પહેરાવીને હાજર રાખવામાં આવ્યો હતો. દોષી જાહેર થતાંની સાથે તેને ૨૦ એપ્રિલે રાત્રે જ મિનેસોટાની જેલ ઓફ પાર્ક હાઇટ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. જો તેને તમામ સજાઓ એક સાથે ભોગવવી પડશે તો આરોપીને ઓછામાં ઓછી ૧૨ વર્ષ અને વધારેમાં વધારે ૪૦ વર્ષ જેલમાં રહેવું પડશે. મિનિએસોટામાં અશ્વેત જ્યોર્જ ફ્લાટડની હત્યાથી સમગ્ર અમેરિકામાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આ સમયે પોલીસ પર બર્બરતાના આરોપ લાગ્યા હતા. આ સમયે સ્થિતિ ખુબ જ વણસી ગઇ હતી. વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન હિંસક થતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સિક્રેટ બંકરમાં આશરો લેવા જવું પડ્યુ હતુ.
આ ઘટનાનો બાદ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દોષી પોલીસકર્મી તેની ગર્દન પર ઘુંટણ દબાવીને બેસી ગયો હતો. વીડિયોમાં એવું જોવા મળતું હતું કે શ્વાસ નહીં લેવાતો હોવાનું કહીને ફ્લોઇડ રીતસરનો કરગર્યો હતો, પરંતુ ચૌવિને તેની ગરદન પરથી પગ હટાવ્યો નહોતો. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અમેરિકાભરમાં અશ્વેત સમુદાય રસ્તાઓ પર ઉતરી પડ્યો હતો અને હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. દુનિયાભરમાં અમેરિકી પોલીસના વર્તનની આકરા શબ્દોમાં નીંદા થઇ હતી.
દોષિતો સામે સબળ પુરાવા છેઃ બાઈડેન
અમેરિકામાં અશ્વેત નાગરિકની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યાને લઈ ખાસ્સો વિવાદ થયો હતો. હિંસા અને લૂંટફાટ થતાં અનેક શહેરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. પોલીસ દમનથી મૃત્યુ પામેલા અશ્વેત નાગરિકનું નામ જ્યોર્જ ફ્લોઇડ હતું. આ ઘટનામાં કેટલાક અધિકારી સામેલ હતા. તેમનું નામ-થોમસ લે, જે. એલેક્ઝાન્ડર અને ટોઉ થાઓ. તેમની સામે તપાસ કરવામાં આવી હતી. ફ્લોઇડના મોત બાદ આ ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. જ્યારે જ્યોર્જનું ગળું દબાવી દેનાર ચૌવિન સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવતા આ કેસ જ્યુરી સામે ચાલ્યો હતો. ૧૯ અને ૨૦ એપ્રિલ એમ બે દિવસ સતત દસ કલાકની સુનાવણી બાદ જ્યુરીએ ચૂકાદો અનામત રાખ્યો હતો. પ્રમુખ જો બાઈડેને પણ ફ્લોઇડની ફેમિલી સાથે વાત કરી સાંત્વના આપતા કહ્યું હતું કે, દોષિતો સામે સબળ પુરાવા છે. ઓવલ ઓફીસમાં ફ્લોયડના પરિવારજનો સાથેની વાતચીતમાં બાઈડેને કહ્યું કે, હું આ ઘટનાને લઈ અસ્વસ્થ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter