વોશિંગ્ટનઃ અમેરિકા-ભારત વચ્ચે અનેકવિધ ક્ષેત્રે સહકાર વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નૉલોજી (આઇસીઈટી) સમજૂતી હેઠળ અમેરિકાની 24 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતીય યુનિવર્સિટીઓ સાથે રૂ. 250 કરોડના ફંડવાળી રિસર્ચ પાર્ટનરશિપ શરૂ કરી છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સેમી કન્ડક્ટર અને ડિજિટલ ઇન્ટરફેસ પર સંશોધન થઈ રહ્યાં છે. તેમાં જ્હોન હોપકિન્સ, બ્રાઉન અને કેલિફોર્નિયા યુનિવર્સિટીઝનો સમાવેશ થાય છે. ચીનની કોલેજો સાથે પહેલાં 36 અમેરિકન યુનવર્સિટીઓ સંશોધન કરતી હતી, જે સંખ્યા અત્યારે ઘટીને 18 થઈ ગઈ છે.
ઇન્ડિયા-યુએસ ગ્લોબલ ચેલેન્જ ઈન્સ્ટિટ્યુટ
એસોસિયેશન ઓફ અમેરિકન યુનિવર્સિટીઝ (એએયુ)એ ઇન્ડિયા-યુએસ ગ્લોબલ ચેલેન્જ ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ કર્યા છે. 83 કરોડ રૂપિયાના પ્રારંભિક ભંડોળ સાથે સંશોધન શરૂ કરાયું છે. એએયુના અધ્યક્ષ બાર્બરા શ્નાઇડરે જણાવ્યું કે દર મહિને ભારત અને અમેરિકાની યુનિવર્સિટીઓની સંયુક્ત બેઠકો મળશે. તેમાં સંશોધનનાં નવાં ક્ષેત્રો શોધવામાં આવે છે.